Gondal. તા.8
ગોંડલના સ્ટેશન પ્લોટ વિસ્તારમાંથી એક્ટિવા લઈને પસાર થતાં બે મિત્રો પર અજાણ્યા શખ્સે લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. નેપાળી જેવા શખ્સે ચાલુ વાહને ધોકો ફટકારતા ચાલક રવિરાજભાઈનું માથું ફૂટી ગયું હતું. જેથી બંને મિત્રો વાહન પરથી નીચે પડી ગયા હતા.
બાદમાં અજાણ્યા શખ્સે ફરીવાર પાઇપ વડે માર મારી નાસી છૂટ્યો હતો. બનાવને પગલે ઈજાગ્રસ્તને પ્રથમ ગોંડલ અને ત્યારબાદ રાજકોટ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ સહીતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
બનાવ અંગે ગોંડલના જેતપુર રોડ પર ગુજરાત હાઉસિંગ બ્લોક નંબર-87 માં રહેતા 32 વર્ષીય વેપારી ચિરાગભાઇ શંભુભાઇ પાઘડાળએ નોંધાવેલી ફરિયાદમાં અજાણ્યા શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તેમને ગોંડલના ગુંદાળા રોડ પર આવેલ સીલ્વર કોમ્પલેક્ષમા શ્રીકાર ગેલેરીયા નામે કાર એસેસરીઝની દુકાન છે, તેમની સોસાયટીમા રહેતા મિત્ર રવિરાજભાઈ રણછોડભાઇ સોજીત્રા સાથે ગાયોની સેવા કરવાનુ કામ કરે છે.
ગત તા.06 ના રાત્રીના તે ઘરે હતો ત્યારે રવિરાજભાઈ તેમનુ એકટીવા લઈ તેડવા આવેલ અને કહેલ કે, આપણે ગાયોને લમ્પી વાયરસ માટેની દવા રોટલીમા ભેળવીને આપવાની છે. જેથી તેમની પાછળ બેસી રાત્રીના આશરે સવા દસેક વાગ્યે ઘરેથી નિકળેલ અને બાદમાં બંને ગોંડલના ભોજપરા ખાતે આવેલ ગૌ મંડળ ગૌશાળામાથી ગાયો માટેની દવાવાળી રોટલીઓ લઈ નીકળ્યા હતા. તે પાછળ બેસેલ અને રવિરાજભાઈ એકટીવા ચલાવતા હતા.
સ્ટેશન પ્લોટ વિસ્તારમાં ગાયોને રોટલીઓ ખવડાવતા હતા. દરમિયાન રાત્રીના શિશુમંદિર સ્કુલ પાસે પહોંચતા રોડ પર સામેથી આશરે 30 વર્ષની ઉમરનો એક નેપાળી જેવો શખ્સ હાથમા લોખંડનો પાઈપ લઈ આવતો હતો.
જે એકટીવા નજીક પહોંચતા તુરત જ તે શખ્સે પાઇપ ઉગામી રવિરાજભાઇને માથાના ભાગે મારતા બંને વાહન પરથી નીચે પડી ગયા હતા. ફરીયાદી ઉભો થતા તેને પણ આ શખ્સે પીઠના ભાગે લોખંડનો પાઈપ મારેલ હતો. જેથી રાડારાડી કરતા આસપાસના લોકો એકત્રિત થઈ ગયેલ હતા અને અજાણ્યો શખ્સ નાસી ગયો હતો.
પાઇપનો ઘા લાગતાં રવિરાજભાઈને માથામાથી લોહિ નિકળવા લાગેલ હતું અને તેઓ બેભાન થઇ ગયેલ હતા. બાદમાં રવિરાજભાઈને પ્રથમ સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવને પગલે યુવા વેપારીની ફરિયાદ પરથી ગોંડલ બી ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાની કોશિશ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.