Rajkot ,તા.08
વાંકાનેર હાઇવે ઉપર આડી પડેલી ગાયને બચાવવા જતા BMW કાર ઝાડ સાથે ભટકાતાં ટોટલ લોસ થયાના સંજોગોમાં વાહિયાત કારણો આપી નકારી દીધેલો 11.36 લાખનો ક્લેઇમ કુલ પાર્કિંગ ચાર્જ અને તે બંને ઉપર વ્યાજ સાથે વીમાધારકને ચૂકવી દેવા વીમા કંપનીને હુકમ કર્યો છે.
આ અંગેની હકીકત મુજબ, રાજકોટમાં કોઠારીયા મેઈન રોડ ઉપર મહેશ્વરી સોસાયટીમાં રહેતા ઉમંગ રોહિતગિરિ ગોસ્વામીએ ખરીદેલી BMW મોટરકાર ઉપર આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ ઈન્સ્યોરન્સ કંપનીમાંથી વીમા પોલિસી લઇ નિયમીતપણે વીમા પ્રિમિયમ ભરતા હતા. આ પોલિસીની સમય મર્યાદામાં તા. ૦૪/ ૦૭/ ૨૦૨૩ના રોજ રાત્રિના ૨:૩૦ વાગ્યે વાંકાનેરથી રાજકોટ આવતા હતા ત્યારે આડી ઉતરેલી ગાયને બચાવવા માટે તેમની કાર રોડની ડાબી બાજુ ઝાડ સાથે અથડાતાં કારનો અકસ્માત થયેલ. જેથી ગાડી સંપૂર્ણપણે ડેમેજ થયેલ. આથી તુરંત જ વીમા કંપનીને જાણ કરેલ અને કલેઈમ રજુ કરેલ. પરંતુ વીમા કંપનીએ વીમેદાર દ્વારા જૂની કાર ખરીદીને વીમો લેવામાં આવ્યો હોવા સહિતના તદ્દન ખોટા કારણોસર કલેઈમ નામંજુર કર્યો હતો. જેમા ફરિયાદી ઉમંગભાઈ ગોસ્વામીએ તેમના એડવોકેટ દ્વારા ગ્રાહક તકરાર આયોગ રાજકોટમાં ફરિયાદ કરી હતી, જેમાં વીમા કંપનીએ તદ્દન ખોટો અને માની ન શકાય તેવો બચાવ લીધેલ. પરંતુ આવો બચાવ આયોગે નામંજુર કરેલ અને ફરિયાદીની ફરિયાદ મંજુર કરેલ. અને ફરિયાદમાં માંગેલ રકમ રૂા.૧૧,૩૬,૧૮૬ વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો છે. મંજુર કરેલ છે. અકસ્માત તા. ૦૪/ ૦૭/ ૨૦૨૩થી હુકમ તા. ૦૪/ ૦૬/ ૨૦૨૫ સુધીના દરરોજના રૂા.૨૫૦ લેખે પાર્કિંગ ચાર્જના ચુકવવાનો તથા કુલ રકમ ઉપર ૬% ચડત વ્યાજ સાથે તેમજ ફરિયાદ ખર્ચના રૂા.૫,૦૦૦ આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ વીમા કંપનીએ ફરિયાદી ઉમંગભાઈ ગોસ્વામીને ૬૦ દિવસમાં ચુકવી આપવાનો હુકમ રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર આયોગે કર્યો છે. આ કામમાં ફરિયાદી વતી ધારાશાસ્ત્રી હર્ષદ એસ. માણેક, સોનલબેન ગોંડલીયા, જાગૃતિબેન કેલૈયા તથા હેતલબેન ગોહેલ રોકાયા હતા.