બીજા નંબરના મોટા બહેન સુશીલાબેનની કિડની મેચ થતાની સાથે જ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
Ahmedabad, તા.૯
ગાંધીનગરમાં રહેતા કિરણભાઈ પટેલ ભરૂચમાં ફર્ટિલાઇઝર કંપનીમાં નોકરી કરતા હતા. બે વર્ષ પહેલા તેઓ કિડનીની ગંભીર બીમારીમાં સપડાયા હતા. તબીબોએ કિડની ફેલ થઈ હોવાના દુઃખદ સમાચાર આપ્યા અને કિડની ટ્રાન્સપ્લાન્ટનો અભિપ્રાય આપ્યો હતો. કિડની ખરાબ થવાને કારણે કિરણભાઈના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. તેમનો દીકરો અને દીકરી કે જેઓ બંને ઓસ્ટ્રેલિયામાં રહે છે તેઓ ખૂબ ચિંતિત થઈ ગયા હતા. કિરણભાઈના ધર્મપત્ની પણ સતત પ્રભુને પ્રાર્થના કરતા હતા. પરિવારના મોભી પર આવી પડેલી આ અણધારી આફત સામે લડવા માટે પરિવાર માનસિક રીતે તૈયાર ન હતો. આ ઘેરા આઘાતની પરિસ્થિતિ વચ્ચે કિરણભાઈ પટેલ માટે ચાર બહેનો આશાનું કિરણ અને રક્ષાનું કવચ બનીને આગળ આવી.
કિરણભાઈ પટેલ કિડનીનું દાન મળે તેની રાહ જોઈ ડાયાલિસિસ પર જીવન વ્યતિત કરવા લાગ્યા હતા. આ વાતની ખબર જ્યારે તેમની ચારેય મોટી બહેનોને ખબર પડી ત્યારે આ તમામ બહેનોએ પોતાના નાનાભાઈને કિડની આપવા માટેની રાજીખુશીથી સામેથી તૈયારી દર્શાવી. જે નાના ભાઈને ઘરના આંગણામાં તેડી તેડીને રમાડ્યો હોય તે ભાઈ પર આવી અણધારી પીડા આવી પડે ત્યારે બહેનો કેવી રીતે એ સહન કરી લેવાની હતી. સૌથી મોટા બહેન કેનેડા હતા તેઓ તરત ભારત આવ્યા અને રિપોર્ટ કરાવ્યા, પરંતુ તેઓની મોટી ઉંમર અને બ્લડ પ્રેશરની તકલીફ હોવાના કારણે તબીબોએ તેમની કિડની લેવાની મંજૂરી આપી નહીં.
ત્રીજા નંબરના બહેને રિપોર્ટ્સ કરાવ્યો ત્યારે ખબર પડી કે તેમને તો જન્મજાત એક જ કિડની છે અને ચોથા બહેનને પગમાં તકલીફ હોવાને કારણે તેઓ આંશિક દિવ્યાંગ છે એટલે તેઓની પણ કિડની લઈ શકાય નહીં. અંતે બીજા નંબરના મોટા બહેન સુશીલાબેનની કિડની મેચ થતાની સાથે જ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આમ ભાઈ બહેન માટે કિડની દાન આપ્યું છે.
હાલ ૫૮ વર્ષના સુશીલાબેને પણ એમના ભાઈનું દુઃખ સહભાગી થવાનો પ્રયાસ કર્યો. ચારેય બહેનો કિડની આપવા તૈયાર થયા પરંતુ બીજા નંબરના બહેન સુશીલાબેન કિડની આપીને ભાઈને નવું જીવન બક્ષ્યું હતું. આ ઓપરેશન અમદાવાદની સરકારી કિડની હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન કરાવ્યા બાદ છેલ્લા દોઢ વર્ષથી કિરણભાઈ પટેલ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. મહત્વનું છે કે મળતી માહિતી અનુસાર અમદાવાદની સરકારી કિડની હોસ્પિટલ ૈંદ્ભડ્ઢઇઝ્રમાં છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે ૨૦ બહેનોએ ભાઈને કિડની આપી છે તેમાં પણ ૩ ભાઈઓએ બહેનને કિડની આપીને ભાઈ બહેનના પવિત્ર સંબંધને યથાર્થ બનાવ્યો છે. ત્યારે આજના દિવસે ચાર બહેનો વચ્ચે એકના એક ભાઈ કિરણભાઈ પટેલની રક્ષા કાજે સહુ બહેનોએ દર્શાવેલો સ્નેહ અને કિડની આપવાની તૈયારી સમાજ માટે પ્રેરણારૂપ કિસ્સો છે.