Israel,તા.11
ગાઝામાં ઈઝરાયલ દ્વારા હુમલાઓનો દોર સતત ચાલુ છે. ગઈકાલે ગાઝા શહેરમાં પત્રકારો દ્વારા ઉપયોગમાં લેવાઈ રહેલા તંબૂ પર ઈઝરાયલે હુમલો કરતાં કતારની મીડિયા ચેનલ અલ ઝઝીરાના અરબી રિપોર્ટર અનસ અલ-શરીફનું મોત થયુ છે. આ હુમલા પહેલાં અનસ અલ-શરીફે સોશિયલ મીડિયા પર આઈડીએફના બોમ્બ ધમાકાનો વીડિયો શેર કર્યો હતો. તેમણે પોતાની અંતિમ પોસ્ટમાં લખ્યું હતું કે, ઈઝરાયલ દ્વારા સતત હુમલા થઈ રહ્યા છે. બે કલાકથી ગાઝા શહેર પર ઈઝરાયલનું આક્રમણ વધ્યું છે.
અલ ઝઝીરાએ જણાવ્યા મુજબ, 28 વર્ષીય અલ-શરીફનું ઈઝરાયલના હુમલામાં મોત થયુ છે. ગાઝામાં અલ-શિફા હોસ્પિટલના મેઈન ગેટની બહાર પત્રકારો માટે ઉપયોગમાં લેવાઈ રહેલા એક તંબુ પર ઈઝરાયલે હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં કુલ સાત લોકોના મોત નીપજ્યા છે. જેમાં અલ ઝઝીરાના સંવાદદાતા મોહમ્મદ કેરીકેહ, કેમેરા ઓપરેટર ઈબ્રાહિમ ઝહેર, મોહમ્મદ નૌફલ અને મોઆમેન અલીવા અને આસિસ્ટન્ટ મોહમ્મદ નૌફલ, રિપોર્ટર અનસ અલ-શરીફનું મોત થયુ છે.ઈઝરાયલની સેનાએ જણાવ્યું હતું કે, અનસ અલ-શરીફ હમાસ આતંકવાદી સંગઠનમાં એક આતંકવાદી સેલના લીડર તરીકે કામ કરતો હતો. ઈઝરાયલના નાગરિકો અને આઈડીએફ સૈનિકો વિરૂદ્ધ રોકેટ હુમલાનું નેતૃત્વ પણ તેણે કર્યું હતું.અનસ અલ-શરીફ ગાઝાના એક જાણીતા પત્રકાર હતાં. તેઓ અલ ઝઝીરા અરબી માટે નોર્થ સ્ટ્રિપમાં મોટાપાયે રિપોર્ટિંગ કરતાં હતાં. ગાઝામાં સ્થિત અલ-અક્સા યુનિવર્સિટીના મીડિયા ડિપાર્ટમેન્ટમાં ગ્રેજ્યુએટ અનસ અલ-શરીફને શ્રેષ્ઠ રિપોર્ટિંગ માટે 2018માં પેલેસ્ટાઈનમાં બેસ્ટ યંગ જર્નલિસ્ટનો એવોર્ડ મળ્યો હતો. જુલાઈમાં ઈઝરાયલના સૈન્ય પ્રવક્તા અવિચાય અદ્રાઈએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં અલ-શરીફ પર હમાસની સશસ્ત્ર શાખાનો સભ્ય હોવાનો આરોપ મૂકાયો હતો. જો કે, અલ ઝઝીરા મીડિયા નેટવર્કે આ દાવાને ફગાવ્યો હતો અને ઈઝરાયલ પર પત્રકારો વિરૂદ્ધ ઉશ્કેરણીનું અભિયાન ચલાવવાનો આરોપ મૂકાયો હતો.અલ ઝઝીરાએ જણાવ્યું કે, નેટવર્ક તેની આકરી ટીકા કરે છે. ગાઝા-ઈઝરાયલના યુદ્ધના કવરેજની શરૂઆતથી જ અમારા કર્મચારીઓ વિરૂદ્ધ લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઉશ્કેરણીઓના માધ્યમથી તેઓ અમારા પત્રકારો પર વિવિધ આરોપો લગાવી તેમને ટાર્ગેટ કરી રહ્યા છે. પત્રકારોની સુરક્ષા સમિતિએ ગતમહિને અદ્રાઈની ટીપ્પણીઓ પર પ્રતિક્રિયા આપતાં આંતરરાષ્ટ્રીય સમુદાયમાંથી અલ-શરીફની સુરક્ષાનું આહ્વાન કર્યું હતું. સીપીજેના ક્ષેત્રીય ડિરેક્ટર સારા કુદાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઈઝરાયલની સેનાએ અલ-શરીફ પર અવારનવાર હુમલો કર્યો છે, અંતે તેઓ તેમનો જીવ લઈને જ માન્યા.