Ahmedabad તા.11
તહેવારોની સિઝન સાથે વિકએન્ડની રજાઓનો સારો મેળ બેસી ગયો છે. લોકોને ટુંકો પ્રવાસ કરવાની અથવા પરિવાર સાથે રજા ગાળવાની તક મળી છે તેવા સમયે વિમાની ભાડા આસમાની ઉંચાઈને આંબવા લાગ્યા છે. વિમાની ભાડા ત્રણથી પાંચ ગણા મોંઘા થઈ ગયા છે.
અમદાવાદમાં વિમાની દુર્ઘટના બાદ લોકોમાં ડર હોય તેમ વિમાની ભાડા નીચા આવ્યા હતા. વિમાની પ્રવાસ ઘટવાની ચર્ચા થવા લાગી હતી. પરંતુ આજે રક્ષાબંધન તથા આવતા સપ્તાહમાં સળંગ ત્રણ રજાઓના વિમાની ભાડા પર નજર કરવામાં આવે તો કોઈ ડર કે ગભરાટ લાગતો નથી.
આજના અમદાવાદથી દિલ્હીના વિમાની ભાડા 20000 થી 24000ના સ્તરે પહોંચ્યા હતા. અમદાવાદથી બેંગ્લોરનુ વિમાની ભાડુ 10000 વાળુ 31000 થયુ હતું. અમદાવાદ-મુંબઈનું ભાડુ પણ 10000 થી 20000ની વચ્ચે રહ્યા હતા.
હવે આવતા સપ્તાહમાં તા.15થી17 ઓગષ્ટ સળંગ ત્રણ રજા છે. શુક્રવારે સ્વતંત્રતા દિન છે. શનિવારે જન્માષ્ટમી તથા રવિવારે અઠવાડિક રજા છે. આ ત્રણેય દિવસોના ભાડા પણ ઉંચા છે. અમદાવાદથી દિલ્હીના 20000 છે, રિટર્ન ફલાઈટના 15000 છે. અમદાવાદથી મુંબઈના 20000 સુધી પહોંચ્યા છે.
રાજકોટથી પણ વિવિધ સેન્ટરોના વિમાની ભાડા ઉંચા છે. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનું મીની વેકેશન હોય છે. પ્રવાસનો ટ્રેન્ડ પ્રચલિત છે. ગોવા જેવા સેન્ટર ફેવરીટ છે. ગોવાનુ ભાડુ ડબલ જેવુ થયુ છે. સામાન્ય રીતે 7000માં મળતી ગોવાની ટિકીટના 13000થી14000 છે.
દિલ્હીના સરેરાશ 5000 વાળા 8000, મુંબઈના 4500-5000 વાળા 8000, પુનાના 6000વાળા 9000, હૈદ્રાબાદના 6000વાળા 8000 તથા બેંગ્લોરના 6000વાળા 10000 છે.
ટ્રાવેલ એજન્ટોના કહેવા પ્રમાણે તહેવારોનો સમયગાળો છતા બુકીંગ પ્રમાણમાં ઓછા જ છે. પરંતુ વિમાની ભાડામાં અસામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. બધી ફલાઈટમાં સીટ-ટિકીટ તો મળે જ છે છતાં ઉંચા ભાડા વસુલવામાં આવી રહ્યા છે.