Darwin,તા.11
ઓસ્ટ્રેલિયાએ ટી20 શ્રેણીની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવ્યું. ટી20માં કાંગારૂઓનો આ સતત 9મો વિજય છે. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ 3 મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી મેચ 12 ઓગસ્ટે ડાર્વિન ગ્રાઉન્ડ પર રમાશે. રવિવારે, આ મેદાન પર પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી. એટલું જ નહીં, 18 વર્ષ પછી અહીં એક આંતરરાષ્ટ્રીય મેચ પણ પરત ફરી છે.
ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 178 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. એક સમયે ટીમે 75 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં ટિમ ડેવિડે સ્કોર 150 થી વધુ લઈ ગયો.
તેણે 52 બોલમાં 83 રનની આક્રમક ઇનિંગ રમી. આ ઇનિંગમાં 4 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે. દક્ષિણ આફ્રિકા તરફથી ક્વેના મ્ફાકાએ 4 વિકેટ લીધી. કાગીસો રબાડાએ 2 વિકેટ લીધી.
179 રનનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકા 20 ઓવરમાં 9 વિકેટે 161 રન જ બનાવી શકી. ઓપનર રાયન રિકેલ્ટને 55 બોલમાં 71 રન બનાવ્યા, પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહીં. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડ અને બેન દ્વારશીસે 3-3 વિકેટ લીધી. એડમ ઝામ્પાએ 2 વિકેટ મેળવી.
ઓસ્ટ્રેલિયાએ 11 મહિનાથી એક પણ ટી20 મેચ હાર્યું નથી : ઓસ્ટ્રેલિયન ટીમે છેલ્લા 11 મહિનાથી એક પણ ટી20 મેચ હાર્યું નથી. ટીમનો છેલ્લો પરાજય 13 સપ્ટેમ્બર 2024ના રોજ કાર્ડિફમાં ઈંગ્લેન્ડ સામે થયો હતો. ત્યારબાદ કાંગારૂ ટીમે સતત 9 મેચ જીતી છે. કાંગારૂ ટીમે અગાઉ વેસ્ટ ઈન્ડિઝને તેમના ઘરે 5 મેચની શ્રેણીમાં 5-0થી હરાવ્યું હતું.