Jamnagar તા.11
જામનગરના અડધા પ્રદર્શન મેદાનમાં મેળો યોજવાથી સાત રસ્તાથી લાલબંગલા અને અન્ય રોડ પર ટ્રાફીકની અરાજકતાના મુદ્દે ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટના નિર્દેશ મુજબ સીવીલ કોર્ટમાં તા.8ના શુક્રવારે બપોરથી સાંજ સુધી ચાલેલી દલીલો બાદ કોર્ટએ દાવો રાખવો કે કાઢી નાંખવો તે સહિતની બાબતનો હુકમ તા.11ના સોમવાર ઉપર રાખ્યો હતો.
આજે અદાલતે જામનગર મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને વાદીની બન્ને અરજી ખર્ચ સહિત રદ્દ કરવાનો હુકમ કરતાં મેળાના આયોજનને લાગેલી બ્રેક પણ દૂર થઇ છે.
મહાનગરપાલિકા દ્રારા શ્રાવણી મેળાના આયોજન સામે નાગરિક કલ્પેશભાઈ આશાણીએ કરેલા સ્ટેની માંગણી સાથેના દાવાને તા.5મીના મંગળવારે સીવીલ કોર્ટે તા.પના મંગળવારે રદ કર્યા બાદ નાગરિકે સેસન્સ અદાલતમાં અપીલ કરીને દાદ માંગતા કોર્ટે અપીલ ગ્રાહ્ય ગણીને અદાલતે મેળાના આયોજનનો દાવો નીચલી અદાલતમાં પુન: ચલાવવા અને તે દરમ્યાન મેળો શરૂ કરવા સામે હંગામી ધોરણે સ્ટે આપીને નાગરિકોની સુરક્ષા માટે મહત્વની રાઈડઝની ફીટનેસ-આયોજનની તમામ વિગતો કોર્ટમાં રજુ કરવા કડક સુચના આપી હતી.
જે બાદ શુક્રવારે સીવીલ કોર્ટમાં મહાનગરપાલિકા તરફે વકીલ વિરલ રાચ્છ તથા સરકાર તરફે વકીલ હેમેન્દ્ર મહેતાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની દલીલમાં જણાવ્યું હતું કે, દાવો પ્રથમદર્શિય રીતે જ ટકવાને પાત્ર નથી. તંત્ર દ્વારા રાઈડઝના સંચાલન સહિતના મામલે તમામ એસઓપીના પાલન કરવાની તેમજ રાઈડઝના ફીટનેસની ચકાસણીની પ્રક્રિયા આર એન્ડ બીના મિકેનિકલ ઈજનેર દ્વારા કરવામાં આવનાર હોવાની તેમજ દર વર્ષે મહાનગરપાલિકાનું અને જિલ્લા વહિવટી તંત્ર આવી પ્રક્રિયા અનુસરે જ છે.
તેને લગતા આધારો સહિતની રજુઆતો કરી હતી. સામે પક્ષે નાગરિક કલ્પેશભાઈ આશાણીએ પોતે અદાલતમાં એવા મતલબની દલીલ કરી હતી. કે, હજી તા.7 ઓગસ્ટના રોજ વહિવટી તંત્ર મેદાનની સોંપણી કરે છે અને મ્યુ. તંત્ર દ્વારા તે પહેલા રાઈડઝ ઉભી કરાવી દેવામાં આવે છે. રસ્તામાં ટ્રાફીકની સમસ્યા સર્જાશે .
આમ બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ અદાલતે પોતાનો હુકમ સોમવારે તા.11મી ઉપર રાખ્યો હતો. આજે અદાલતે વાદીની બન્ને અરજી રદ્દ કરતો ચુકાદો ફરમાવ્યો હતો અને તેમાં બન્ને અરજી રૂા.2500-2500 ના ખર્ચ સાથે નામંજૂર કર્યાનું ઠરાવ્યું હોવાનું વકીલ વિરલભાઇ રાચ્છે જણાવ્યું હતું.

