Ahmedabad, તા.11
અમદાવાદના નિકોલ વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય અને ચારેય કોર્પોરેટરને જનાક્રોશનો ભોગ બનવો પડ્યો હતો. જે નેતાઓનો વીડિયો વાયરલ થયો છે.
નિકોલ વિસ્તારમાં અમર જવાન સર્કલ પાસે આવેલ ભાગવત ફ્લેટ પાસે ભાજપનાં ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ, તથા ભાજપમાંથી ચૂંટાયેલા ચારેય કોર્પોરેટરો બળદેવ પટેલ, દિપક પંચાલ, ઉષા રોહિત, વિલાસ દેસાઈ અને સંગઠનનાં હોદેદારો ચૂંટણી નજીક આવતા સ્થાનિકોની સમસ્યા જાણવા માટે નીકળ્યા હતા.
તે દરમિયાન નિકોલના અમર જવાન સર્કલ પાસે સ્થાનિક લોકોએ રોડ-રસ્તા, ગટર ઉભરાવવાની સમસ્યા, પીવાનું ચોખ્ખું પાણી ન મળવાની સમસ્યા, વરસાદી પાણી ભરાવા જેવી અનેક સમસ્યા વિશે સવાલ પુછતા કોર્પોરેટર બળદેવ પટેલ જવાબ આપવાને બદલે ઉગ્ર થઈ ગયા હતા. કોર્પોરેટર બળદેવ પટેલ લુખ્ખા અને ટપોરી જેવી ભાષામાં વાત કરતા નજરે પડ્યા હતા.
પ્રજા વચ્ચે નીકળેલા નેતાઓે સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાઓના અભાવની ફરિયાદ કરી હતી. કોર્પોરેટર જનતાના ફોન ન ઉપાડતા હોવાની પણ લોકોએ ફરિયાદ કરી હતી.
જોકે, પ્રજાની વાતો શાંતિથી સાંભળવાને બદલે ભાજપના નેતાએ આકરા તેવર બતાવ્યા હતા. લોકોએ આકરા સવાલ કરતા કોર્પોરેટર બળદેવ પટેલ ઉગ્ર થયા હતા. લોકોના સવાલના જવાબ આપવાના બદલે કોર્પોરેટર અકળાઈ ગયા હતા. ઉગ્ર ભાષામાં જનતા સાથે કોર્પોરેટરે વાત કરી હતી. ત્યારે આ ઉગ્ર બોલાચાલીનો વીડિયો પણ વાયરલ થયો છે.