Ahmedabad, તા. 11
ગુજરાતમાં એકાદ માસથી વરસાદનું જોર ધીમુ રહેવા સાથે મુખ્યત્વે છુટાછવાયા ઝાપટા જ વરસી રહ્યા છે. પરંતુ હવે આગામી 16 ઓગષ્ટના જન્માષ્ટમીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે આગાહી કરી છે.
તેઓએ તા.20 ઓગષ્ટ સુધીની આગાહીમાં જણાવ્યું હતું કે, 15મી ઓગષ્ટ સુધી હજુ છુટા છવાયા ઝાપટા જ વરસતા રહેવાની શકયતા છે. પરંતુ 16 ઓગષ્ટને જન્માષ્ટમીથી વરસાદનું પ્રમાણ અને વિસ્તાર વધતા રહેશે અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થશે.
પહેલા ગુજરાત રીજીયનમાં વરસાદ વધશે અને 20 ઓગષ્ટ સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં વ્યાપ વધશે. રાજયભરમાં વ્યાપક અને સંતોષકારક વરસાદની શકયતા છે. બંગાળની ખાડીની સિસ્ટમ અને અન્ય સંભવિત હવામાન પરિબળો આધારીત આ વરસાદનો રાઉન્ડ હોવાથી તેની માત્રા વિશે હવે પછી અપડેટ આપવામાં આવશે.
પ્રવર્તમાન હવામાન પરિબળો વિશે તેઓએ કહ્યું કે, મોન્સુન ટ્રફ અમૃતસર, પતીયાલા, બરેલી, લખનૌ, ગોરખપુર, પટના, પુરનીયા પરથી પસાર થઇને પૂર્વોતર તરફ અરૂણાચલ પ્રદેશ સુધી જાય છે.
ઉત્તર દરિયાઇ આંધ્રપ્રદેશ તથા લાગુ તેલંગણા પર 3.1થી 5.8 કિ.મી.ની ઉંચાઇએ અપરએર સાયકલોનિક સરર્યુકેશન છે જે વધતી ઉંચાઇએ દક્ષિણ તરફ ઢળે છે. આ સિવાય ઉત્તર પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં 3.1 કિ.મી.ની ઉંચાઇએ સરકર્યુલેશન છે. કચ્છ અને આસપાસના વિસ્તારો પર 3.1 કિ.મી.ની લેવલે સરકર્યુલેશન છે. જે ઉત્તર પૂર્વથી અરબી સમુદ્ર અને લાગુ ગુજરાતથી ખસેલું છે. આ ઉપરાંત ઉતર આંતરીક કર્ણાટક તથા આસપાસના વિસ્તારોમાં 4.પથી પ.8 કિ.મી.ના લેવલે સરકર્યુલેશન છે.
ઉત્તર પાકિસ્તાન તથા આસપાસના વિસ્તારોમાં 3.1થી પ.8 કિ.મી.ના લેવલે સાયકલોનિક સરકર્યુલેશન છે. ઉતર પશ્ચિમ અને લાગુ પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં 13 ઓગષ્ટની આસપાસ લોપ્રેસર સર્જાવાની છે. સંભાવના છે. બંગાળની ખાડીમાં આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને મધ્ય ભારત તરફ આવવાની અને ત્યારબાદ ગુજરાતની નજીક અને પછી અરબી સમુદ્ર તરફ જવાની સંભાવના છે.
12 અને 13 ઓગષ્ટના રોજ પવનનું જોર વધી શકે છે. અપરએર સાયકલોનિક સકર્યુલેશન તથા તેનો ટ્રફ ગુજરાત રાજય, સીંધ અને ઉતર પૂર્વ અરબી સમુદ્ર નજીક 15-16 ઓગષ્ટ સુધી રહેવાની સંભાવના છે. બંગાળની ખાડી સાથે જોડાયેલ અપરએર સાયકલોનિક સરકર્યુલેશન 18 થી 20 ઓગષ્ટ દરમ્યાન મધ્ય ભારત તરફ અને ત્યારપછી ગુજરાત અને આસપાસના ભાગોમાં ખસવાની સંભાવના છે. પૂર્વ પશ્ચિમ સીયર ઝોન પેનીન્સ્યુલર ભારત પર રહેવાની અને આગાહી દરમ્યાન ઉતર તરફ ખસવાની સંભાવના છે.
અશોકભાઇ પટેલે જણાવ્યું હતું કે, બંગાળની ખાડીમાં લો-પ્રેસર સિસ્ટમ 13મી ઓગષ્ટે સર્જાયા બાદ એ એટલી ઝડપે અને કેવી રીતે આગળ વધે છે તેના પર વરસાદની માત્રા નકકી થશે અને તેના આધારે આગામી દિવસોમાં વરસાદના સંભવિત પ્રમાણ અને વ્યાપ વિશે અપડેટ આપવામાં આવશે. પરંતુ 16 થી 20 ઓગષ્ટ દરમ્યાન સાર્વત્રિક વરસાદ સંભવિત છે.