New Delhi,તા.11
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આજે (11 ઓગસ્ટ) ઈન્કમટેક્સ એમેન્ડમેન્ટ બિલ 2025 (Revised Income Tax Bill, 2025) રજૂ કર્યું છે. આ બિલ શુક્રવારે (7 ઓગસ્ટ) લોકસભામાં રજૂ કરાયું હતું, પરંતુ લોકસભા સ્થગિત થવાના કારણે તેમણે બિલ પરત ખેંચી લેવું પડ્યું હતું. 1961ના આવકવેરા ધારાને સરળ બનાવીને તેનું સ્થાન લેવા માટે તૈયાર કરવામાં આવેલા ઈન્કમટેક્સ સુધારા ખરડામાં કાયદાને સરળ બનાવવાનું અને દંડને ઓછો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
લોકસભા પસંદગી સમિતીની અધ્યક્ષતા કરનારા ભાજપ નેતા બૈજયંત પાંડાએ ‘ઈન્કમટેક્સ એમેન્ડમેન્ટ બિલ 2025’માં 285 સુધારા કરવાનું સૂચન આપ્યું હતું, જેને કેન્દ્ર સરકારે સ્વિકારી લીધું છે. ઈન્કમટેક્સના જૂના બિલમાં ઘણી મૂંઝવણો છે, જેના કારણે હવે તેને નવા ફેરફાર સાથે રજૂ કરવામાં આવ્યું છે.
કરદાતા ડયૂ ડેટ પછી તેનું રિટર્ન ફાઈલ કરે તો તેને રિફંડ આપવાની ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા ખરડામાં ના પાડી દેવામાં આવી હતી. આ રિફંડ આપી દેવાનું સૂચન સિલેક્ટ કમિટીએ જણાવ્યું છે. કરદાતાએ ફ્લેટ ખરીદ્યો હોય અને બાંકામ કામ ફાઈનલ ન થયુ હોય તો પહેલા લોન લઈને હપ્તા ભર્યા હોય તો તે રકમ વેરામાં બાદ આપવામાં આવતી નહોતી. હવે તે રકમ પણ બાદ આપવાની ભલામણ કરવામાં આવી છે. હા, તેને માટે જૂની સિસ્ટમ મુજબ રિટર્ન ફાઈલ કરવાનું આવશે. સૌ પ્રથમ તો કોઈ વ્યક્તિ ફ્લેટની ખરીદી કરવા માટે બેન્કમાંથી લોનનો ઉપાડ કરે છે. તે પ્રોપર્ટીનું બાંધકામ થાય તે પહેલા જ તેના પર વ્યાજ ચૂકવે છે. વ્યાજની આ રકમ કરદાતાને આવકમાંથી બાદ આપવામાં આવતી નથી. માત્ર પોતાની માલિકીની મિલકતમાં જ લોનના વ્યાજની ચૂકવણીની રકમ આવકમાંથી બાદ આપવામાં આવે છે. સિલેક્ટ કમિટીએ સૂચવેલા મોટા સુધારામાંનો આ એક સુધારો છે.
મ્યુનિસિપાલટીના વેરાની કપાત કર્યા પછી આપવામાં આવતા 30 ટકા સ્ટાન્ડર્ડ ડિડક્શનનો સ્પષ્ટ ઉલ્લેખ થયેલો હોવો જોઈએ, તેવો આગ્રહ સિલેક્ટ કમિટીએ રાખ્યો છે. આ લાભ ભાડાંની મિલકતના માલિકોને પણ આપવો જોઈએ.
કમિટીએ ચેરિટેબલ ટ્રસ્ટને માટે પણ કેટલાક સુધારા સૂચવવામાં આવ્યા છે. ચેરિટેબલ ટ્રસ્ટને નનામી ડોનેશન આવતું હતું તેના પર 30 ટકાના દરે ટેક્સ લેવાનું ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા સુધારા ખરડામાં નક્કી કરવામાં આવ્યું હતું. આ સુધારો લાવવાને કારણે ટ્રસ્ટની તકલીફો વધી જવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. નાના નાના દાતાઓના નામ અને આધારકાર્ડ કે પાનકાર્ડ મેળવવા કઠિન હોવાથી તે રકમના દાતાઓની વિગતો આપી શકાય તેમ ન હોવાની દલીલ આગળ કરવામાં આવી હતી. સિલેક્ટ કમિટીએ પણ આ જોગવાઈ ખાસ્સી તકલીફદાયક હોવાનો નિર્દેશ આપ્યો તેને પરિણામે આ જોગવાઈને પણ હળવી કરી દઈને રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કમિટીએ 21 જુલાઈએ ઈન્કમટેક્સ બિલ અંગેના સૂચનો રજૂ કર્યા હતા. હવે આ સૂચનોને નવા બિલમાં જોડવામાં આવ્યા છે. કમિટીએ કંપનીઓ વચ્ચે ડિવિડંડનું વિતરણ કરવાને લગતી કલમ 80 (એમ) અંગે પણ કેટલા સુધારાઓ સૂચવ્યા છે. કંપનીઓ વચ્ચે ડિવિડંડની વહેંચણી થાય ત્યારે કલમ 115બીએએની જોગવાઈનો લાભ આપવામાં આવતો હતો. આ ડિવિડંડ પર સ્પેશિયલ રેટ લગાડવામાં આવી રહ્યો છે. ડ્રાફ્ટ બિલમાં આ બાબતનો ઉલ્લેખ કરવાનો જ રહી ગયો હતો. સિલેક્ટ કમિટીએ આ બાબત પરત્વે ધ્યાન દોર્યું હતું. સિલેક્ટ કમિટીએ સૂચવેલા મોટાભાગના સુધારાઓ સમાવી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સુધારાઓમાં આવકવેરાના નિયમો કે કલમોનો ભંગ કરવા બદલ અગાઉના બિલમાં બહુ જ મોટી રકમનો દંડ કરવામાં આવતો હતો. હવે આ દંડની રકમ ખાસ્સી ઓછી કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શુક્રવારે ઈન્કમટેક્સ બિલ પરત ખેંચી લેવાયું હતું, પછી કમિટીની ભલામણ બાદ કેન્દ્ર સરકારે તેમાં કેટલાક ફેરફાર કર્યા છે, ત્યારબાદ આજે ફરી સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. આ મુદ્દે સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે, ‘હવે એવું કહી શકાય કે, ઈન્કમટેક્સ હવે સંપૂર્ણ નવું હશે, બિલ પર ઘણું કામ કરવામાં આવ્યું છે. તે જૂના બિલ કરતા તદ્દન અલગ હશે.’