૭૭૩ જિલ્લાના ૧૩૨૭૯ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
New Delhi, તા.૧૧
એક સમયે લોકોના ઘરમાં ઘુસીને ચોરી કે રસ્તાઓ ઉપર લૂંટફાટ થતી હતી. પણ, આધુનિક જમાનામાં સાયબર ક્રાઈમએ નવુ ચોરી-લૂંટફાટનું નવુ સ્વરૂપ ધારણ કર્યું છે. નેટ બેન્કિંગના જમાનામાં સાયબર ચાંચિયાઓ એ હદે બેફામ બન્યાં છે કે, સવા ત્રણ વર્ષમાં ભારતના નાગરિકોના ૧૪૫ અબજ રૂપિયાની ચોરી કરી છે. કેન્દ્રીય ગૃહવિભાગના વર્ષ ૨૦૨૩-૨૪ના વાર્ષિક અહેવાલમાં આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. સાયબર ક્રાઈમની તપાસ કરતી પોલીસે સરેરાશ ૧૦ ટકા બેન્ક ખાતાંઓ ફ્રીઝ કરતાં લોકોના ૧૬ અબજ રૂપિયા અટવાયાં હતાં. આ મુદ્દે હોબાળો મચતાં ફ્રીઝ કરેલી રકમ એટલે કે લિયન એમાઉન્ટ છૂટ્ટી કરવા ઉચ્ચ સ્તરેથી આદેશો કરવા પડ્યા હતા. કમનસીબી એ છે કે, સાયબર ગુનો આચરતી ટોળકીનો ભોગ બનેલાં અનેક નાગરિકોને પોતાના પૈસા પાછા મેળવવા માટે પોલીસને ૧૦થી ૩૦ ટકા જેટલી રકમનું નૈવેદ્ય ધરવું પડતી હોવાની લોક ફરિયાદો હજુ પણ ઉઠી રહી છે.
સાયબર ક્રાઈમના પડકારને પહોંચી વળવા માટે હવે દેશના તમામ રાજ્યોમાં કુલ ૭૭૩ જિલ્લાના ૧૩૨૭૯ પોલીસ સ્ટેશનોમાં સાયબર ક્રાઈમના ગુના નોંધવા અને તેને રોકવા માટે કાર્યવાહી શરૂ થઈ છે. નેશનલ લેવલે સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ ઉપરાંત દરેક રાજ્યમાં સ્ટેટ લેવલના સાયબર ક્રાઈમ સેલ અને રાજ્યોમાં જિલ્લા તેમજ મોટા શહેરોમાં સાયબર ક્રાઈમ યુનિટ કાર્યરત કરવામાં આવ્યાં છે. આમ છતાં, વિદેશથી સંચાલન કરીને સાયબર ક્રાઈમ આચરતી ટોળકીઓ ભારતમાંથી સામાન્ય નાગરિકોના અબજો રૂપિયા પડાવી લે છે.
વર્ષ ૨૦૨૧થી માર્ચ-૨૦૨૪ સુધી ભારતમાં સાયબર ક્રાઈમની કુલ ૨૧.૬૧ લાખ ફરિયાદો નોંધાઈ. તેમાં નાગરિકોએ ૧૪૫ અબજ રૂપિયા ગુમાવ્યાં છે. નાગરિકોની ફરિયાદના પગલે આ પૈસા પરત મેળવવા માટે જે બેન્ક ખાતાંમાં પૈસા ગયાં હોય તેને ફ્રીઝ કરાવવાની પ્રક્રિયા હાથ ધરાય છે. દેશમાં ઈ-ચીટિંગથી ગુમાવેલા પૈસામાંથી સરેરાશ ૧૦ ટકા રકમ લિયન એટલે કે શંકાસ્પદ બેન્ક ખાતાંઓમાં ફ્રીઝ કરવામાં આવે છે. ફ્રીઝ કરાયેલાં ૧૬ અબજ રૂપિયા બેન્ક ખાતાંઓમાં અટવાયેલાં પડ્યાં છે.
ગુજરાત કે દેશભરમાં સાયબર ક્રાઈમ ઠગાઈના પૈસા જે ખાતામાં ગયાંની પાક્કી વિગતો હોય તેવા બેન્ક ખાતાં જ ફ્રીઝ કરવામાં આવે છે. પરંતુ, બેન્ક ખાતાં ફ્રીઝ કરવાની કાર્યપઘ્ધતિ ચર્ચાસ્પદ બની છે. કોઈ બેન્ક ખાતાંમાં ૧૦ લાખની રકમ હોય તે ફ્રીઝ કરી દેવામાં આવે પણ પોલીસ તપાસમાં સાયબર ક્રાઈમના એક કે બે લાખ રૂપિયાની હેરાફેરી થયાંની શંકા હોય તો પણ તમામ ૧૦ લાખની રકમ ફ્રીઝ કરવામાં આવે છે. સાયબર ક્રાઈમની રકમ જ ફ્રીઝ કરવામાં આવે તેવા આદેશો બહાર પાડવામાં આવ્યા હોવા છતાં અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચ યુનિટને બાદ કરતાં રાજ્યભરમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ સહિત મહદ્દઅંશે પોલીસ કે સાયબર ક્રાઈમ રોકવા કાર્યરત ટૂકડીઓ તમામ રકમ ફ્રીઝ કરે છે. લિયન એમાઉન્ટ એટલે કે ફ્રીઝ કરાયેલી રકમ છૂટ્ટી કરવા માટે ત્વરિત કાર્યવાહી કરવા માટે આદેશો કરવામાં આવ્યા હોવા છતાં સાયબર ક્રાઈમની રોકથામના બહાને આવી રકમ રોકી રાખવામાં આવે છે. એવી પણ ફરિયાદો છે કે, સાયબર ક્રાઈમમાં ફ્રીઝ થયેલાં એકાઉન્ટસના પૈસા મુક્ત કરવા માટે ૧૦થી ૩૦ ટકા સુધી નૈવેદ્ય ધરવું પડે છે.