સૌરાષ્ટ્રના દરેક જિલ્લા સહિત તાલુકા મથકના બાર ને સાથે રાખી ઉગ્ર લડત ચલાવવાનો વકીલોનો નિર્ધાર
મહારાષ્ટ્રના કોલ્હાપુર માટે સર્કિટ બેન્ચ રચના કરવામાં આવતા સૌરાષ્ટ્ર માટે માંગ “પાણીદાર” નેતાઓ બહાર આવે તેવી બુલંદ માંગ
Rajkot,તા.11
સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ ખાતે હાઇકોર્ટની અલગ બેંચની વર્ષો જૂની માગણી અન્વયે નિમવામાં આવેલી હાઈકોર્ટ સર્કીટ બેંચ કમિટીના માર્ગદર્શન હેઠળ આજે નવા કોર્ટ બિલ્ડીંગ ખાતે મોટી સંખ્યામાં વકીલોની હાજરીમાં ૧૧૧ શ્રીફળ વધેરીને સૌરાષ્ટ્રની અલગ હાઇકોર્ટ સર્કિટ બેંચની બુલંદ માગણી સાથે લડતના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. આ તકે સર્કિટ બેંચ કમિટીના આગેવાનો દ્વારા આગામી સમયમાં સૌરાષ્ટ્ર કચ્છના તમામ વકીલ મંડળોનો સહકાર મેળવી ઉગ્ર લડત આપવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.રાજકોટને સૌરાષ્ટ્ર કચ્છની અલગ હાઇકોર્ટ બેંચની 45 વર્ષ જૂની માંગણી છે, જેમાં અનેક વખત આંદોલનો થવા છતાં હજી સુધી સૌરાષ્ટ્ર કચ્છની જનતાના હિતમાં સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો નથી, તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા કોલાપુરને સર્કીટ બેંચ મળે તે અંગે ચીફ જસ્ટીસ દ્વારા ગર્વનરની મંજુરી લઈ નવી સર્કીટ બેંચની રચના કરવામાં આવી છે. રાજકોટ બારના સભ્યો દ્વારા વર્ષોની પડતર માંગ અંગે સૌરાષ્ટ્રને હાઈકોર્ટ બેંચ મળે તે માટે રાજકોટના વકીલો દ્વારા પણ આ બાબતે લડત સક્રિય કરવામાં આવી છે. જેમાં બાર એસોસિયેશન દ્વારા નિમવામાં આવેલી ખાસ હાઇકોર્ટ સર્કિટ બેંચ કમિટીના માર્ગદર્શન હેઠળ આજે શ્રાવણ માસના ત્રીજા સોમવારે સવારે 11 કલાક ને 11 મિનિટે મોટી સંખ્યામાં વકીલોની હાજરીમાં 111 શ્રીફળ વધેરીને આ લડતનો પ્રારંભ થયો છે.વધુ વિગત મુજબ શહેરના જામનગર રોડ પર આવેલ ઘંટેશ્વર સ્થિત નવા કોર્ટ બિલ્ડીંગ ખાતે મોટી સંખ્યામાં વકીલોની હાજરીમાં 111 શ્રીફળ વધેરીને રાજકોટને હાઇકોર્ટ સર્કિટ બેંચના પ્રચંડ ઘોષ સાથે સૂત્રોચ્ચાર દ્વારા માંગણી બુલંદ બનાવતી લડતનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ તકે વરિષ્ઠ ધારાશાસ્ત્રી અર્જુન પટેલે જણાવ્યું હતું કે હાઇકોર્ટ બેન્ચ કમિટી દ્વારા આજથી જ લડત શરૂ કરી દેવામાં આવી છે, જેમાં રાજકોટ સહિત 4000 જેટલા વકીલોનો સહયોગ સાંપડી રહ્યો છે. આ લડતમાં રાજકોટ ઉપરાંત જામનગર અને મોરબી જિલ્લાના વકીલો પણ જોડાયા છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર કચ્છના તમામ વકીલ મંડળોનો સંપર્ક કરી તેમનો લડતમાં સહયોગ મેળવવામાં આવશે અને લડતને ઉગ્ર બનાવી જુદા જુદા કાર્યક્રમો આપવામાં આવશે અને જરૂર પડ્યે આક્રમક પગલાં લેવાની પણ હાઇકોર્ટ બેંચ કમિટીની તૈયારી છે.અર્જુનભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર કચ્છના લોકોને ન્યાય માટે છેક અમદાવાદ સુધી 200 થી 300 કિ.મી.નું અંતર કાપીને ન્યાય માંગવા જવું પડે છે, હવે સમય પાકી ગયો છે કે સૌરાષ્ટ્રની જનતાના વિશાળ હિતમાં રાજકોટ ખાતે કાયમી હાઇકોર્ટ બેંચ જરૂરી છે, જો રાજકોટમાં હાઇકોર્ટની સર્કિટ બેંચ મળે તો લોકોને ઝડપી અને સસ્તો સરળ ન્યાય મળી રહેશે, ખાસ કરીને નવ યુવાન વકીલોને પણ હાઇકોર્ટમાં રજૂઆત કરવાની તક મળશે. વકીલોએ “હાઇકોર્ટ બેન્ચ લેકે રહેંગે” સહિતના સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. આ સાથે જ સેશન્સ કોર્ટના કેમ્પસમાં સિનિયર જુનિયર વકીલોના સાથ લઈ અને લડતનો પ્રારંભ કર્યો છે.આ તકે આગેવાન જાળા શાસ્ત્રી અનિલ દેસાઈએ જણાવ્યું હતું કે અગાઉ રાજકોટમાં હાઇકોર્ટ બેંચ હતી જ. હાલનું આંદોલન 1983થી ચાલુ છે. રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ અને એઇમ્સ હોસ્પિટલ મળેલ છે, ત્યારે હવે હાઇકોર્ટ બેંચ પણ મળવી જોઈએ. સમયાંતરે દરેક સ્ટેટમાં જરૂરિયાત મુજબનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે હવે રાજકોટની હાઇકોર્ટ બેંચની અમારી માંગણી પણ ન્યાયિક છે. તેથી રાજકોટને ઝડપી હાઇકોર્ટ બેન્ચ ફાળવી સૌરાષ્ટ્ર કચ્છની જનતાની માગણીને સરકારે સંતોષવી જોઈએ.આજે નવા કોર્ટ બિલ્ડીંગ ખાતે હાઇકોર્ટ બેંચ લડતના શ્રીગણેશ સમયે વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ અનિલભાઈ દેસાઈ, લલિતસિંહ શાહી, અર્જુનભાઈ પટેલ, શ્યામલ સોનપાલ, પિયુષભાઈ શાહ, જામનગરના મનોજભાઈ અનડકટ, પી.સી. વ્યાસ, સુરેશભાઈ ફળદુ, કમલેશભાઈ શાહ, કમલેશભાઈ ડોડીયા, મેહુલભાઈ મહેતા, અશ્વિનભાઈ ગોસાઈ, અજયભાઈ જોષી, નરેન્દ્રસિંહ જાડેજા, રાજેશ ચાવડા, ગજેન્દ્રભાઈ જાની, કૈલાશ જાની, હુસેન હેરંજા, કરણ ગઢવી, દિલેશ શાહ સહિતના સિનિયર જુનિયર વકીલો મોટી સંખ્યામાં જોડાયા હતા