ગોંડલના વાઘેશ્વર મંદિર, કોટડાસાંગાણીના સોળીયા ગામ નજીક આવેલ રોકડીયા હનુમાન મંદિર, ટંકારાના ખોડિયાર મંદિર અને નાની મોલડીના અંબે મંદિરમાં લૂંટ ચલાવ્યાની કબૂલાત
કાર, બે મોટરસાયકલ, બાર બોરની બંદૂક મળી કુલ રૂ. 4.49 લાખના મુદામાલ સાથે ત્રણની ધરપકડ, ત્રિપુટીની શોધખોળ : રૂરલ એલસીબી ટીમની કાર્યવાહી
Rajkot,તા.11
રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગરના મંદિરોમાં ત્રાટકી લૂંટ ચલાવતી ગેંગની ત્રિપુટીને રૂ. 4.49 લાખના મુદ્દામાલ સાથે રાજકોટ રૂરલ એલસીબી ટીમએ ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા લૂંટારુઓએ રાજકોટના ગોંડલ, કોટડા સાંગાણી, ટંકારા અને નાની મોલડીના મંદિરોમાં લૂંટ આચર્યાની કેફિયત આપી છે. પ્રાપ્ત વિગત અનુસાર ગત તા.25-07-2025 ના રોજ રાત્રિના સમયે ગોંડલ તાલુકાના વાઘેશ્વર મહાદેવ મંદિરમાં રોકડ રૂપિયા તથા મંદિરના મહંતના લાયસન્સવાળા હથિયારની લૂંટનો બનાવ બનવા પામ્યો હતો. બાદ તા. 02-08-2025 ના રોજ કોટડાસાંગાણી તાલુકાના સોળીયા ગામ નજીક આવેલ રોકડિયા હનુમાન મંદિર ખાતે મંદિરના મહંત ટનાટનબાપુને માર મારી રોકડ,દાગીના, મોબાઇલ સહિતની લૂંટનો બનાવ સામે આવ્યો હતો. જે બંને બનાવમાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન તેમજ કોટડા સાંગાણી પોલીસ મથકમાં અલગ અલગ ગુના નોંધાયા હતા.
રાજકોટ શહેર વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા અને ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન રિસોર્સની મદદથી આરોપીઓની માહિતી મેળવી ત્રણ શખ્સોને એલસીબી ટીમે દબોચી લીધા હતા.
એલસીબી ટીમે મંદિરોને ટાર્ગેટ કરતી લૂંટારુ ગેંગના મુખ્ય સૂત્રધાર રાકેશ ઉર્ફે રાહુલ મુકેશભાઈ ઉર્ફે મનસુખભાઈ સોલંકી (મૂળ રહે. જેતપુર ભાદરના સામાકાંઠે, આશાપુરા ચોક, હાલ રહે. શિવધારા સોસાયટી-1, હુડકો ચોકડી પાસે, રાજકોટ), વિજય મુકેશભાઈ ઉર્ફે મનસુખભાઈ સોલંકી (મૂળ રહે. ભાદરના સામાકાંઠે, આશાપુરા ચોક, જેતપુર. હાલ રહે. કોઠારીયા રોડ, શિવમ પાર્ક, રાજકોટ) અને રોનક રાજેશભાઈ ભટ્ટ (રહે. આશાપુરા શેરી નં- 2 કોઠારીયા મેઈન રોડ, રાજકોટ)ને કાર, બે મોટરસાયકલ, બાર બોરની બંદૂક, મોબાઈલ મળી કુલ રૂ. 4,49,669 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે લુટાણું ગેંગના ત્રણ સભ્યો સંજય ઉર્ફે મુકેશ ઝીણાભાઈ સોલંકી (રહે. હુડકો ચોકડી પાસે, રાજકોટ), દિલીપ ઉર્ફે સરખડીયો મનસુખભાઈ પરમાર (રહે પુનિતના ટાંકા પાસે, રાજકોટ) અને દિલીપ ઉર્ફે સરખડિયાનો મિત્ર એમ ગેંગના ત્રણ સભ્યોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય બાબત છે કે, ઝડપાયેલ શખ્સ રાકેશ ઉર્ફે રાહુલ વિરુદ્ધ રાજકોટ, જુનાગઢ અને જામનગર ખાતે ચોરી સહિતના સાત ગુના નોંધાય ચૂક્યા છે. જ્યારે વિજય વિરુદ્ધ રાજકોટ, જુનાગઢ અને જામનગરમાં ચોરી સહિતના 13 ગુના અને રોનક વિરુદ્ધ ધ્રોલ પોલીસ મથકમાં ચોરીનો એક ગુનો નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર લૂંટારુઓ મોટાભાગે હાઇવે નજીક આવેલા મંદિરોને જ ટાર્ગેટ કરતા હતા. જેથી તેઓ લૂંટ ચલાવ્યા બાદ સરળતાથી નાશી જઈ શકે તેના માટે હાઇવે નજીક આવેલા મંદિરોને નિશાન બનાવતા હતા.