ઘરકામ બાબતે પ્રથમ માતા પર હુમલો કર્યો : ભાઈનો ફોન ઝુંટવી ફેંકી દીધા બાદ કાચના સ્ટેન્ડ વડે માર માર્યો
Upleta,તા.11
ઉપલેટામાં પિતા-પુત્રીએ પ્રથમ માતાને માર માર્યા બાદ બહેને ભાઈ પર પણ કાચના સ્ટેન્ડ વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. ઘરકામ બાબતે બોલાચાલી થયાં બાદ પુત્રી અને પતિએ પ્રથમ લાકડી વડે વૃદ્ધાને માર માર્યો હતો. બાદમાં માતાને સારવાર અપાવી ઘરે આવેલા ભાઈ પર બહેને કાચના સ્ટેન્ડ વડે ઘા કરી લેતાં ઉપલેટા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. ઉપલેટાના ભક્તિધામ-2, દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા પ્રવિણસિંહ દીલીપસિંહ ચુડાસમાએ ઉપલેટા પોલિસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બહેન હેતલબા દિલીપસિંહ ચુડાસમા અને પિતા દિલીપસિંહ માધવસંગ ચુડાસમાનું નામ આપતાં જણાવ્યું હતું કે, મારા પરીવારમાં પિતા દીલીપસિંહ (ઉ.વ.૬૭), માતા કુસુમબા (ઉવ ૬૨) છે. હું અને મારી પત્ની માતાને ઉપલેટા સરકારી દવાખાને સારવાર માટે લઇ ગયેલ હતો. જ્યાં સારવાર મેળવ્યા બાદ માતાને રજા આપતા રાત્રીના આશરે પોણા નવ વાગ્યે અમે ઘરે ગયેલ હતા. ત્યારે માતા રૂમમાં હતા, હું હોલમાં સોફા પર બેસેલ હતો, મારી બહેન ત્યા સામે સોફા પર બેસેલ હતી અને મારા પિતા ત્યા નીચે બેસીને નાસ્તો કરતા હતા. ત્યારે બહેન હેતલબા મારા મોટાબાપુ સાથે ફોનમાં વાત કરતા હતા અને મારા બહેને તેમને કહેલ કે, આ પ્રવીણ આવ્યો છે તેમ કહેતા મારા બાપુ મને ખીજાવા લાગેલ અને જેમ તેમ બોલવા લાગેલ જેથી હું મારા મોબાઈલમાં આ બધુ રેકોર્ડ કરતો હતો. તેવામાં મારા બહેન હેતલબાએ મારા હાથમાથી ફોન લઈને દુર ફેંકી દીધેલ હતો. જેથી હુ તેને રોકવા જતા તેણે ત્યા કાચના સ્ટેન્ડ પર પડેલ કાચનો પોટ લઈને મારા તરફ ઘા કરેલ હતો. જેથી હું નીચે નમી જતાં ઇજા થઈ ન હતી. બાદ મારા બહેને ત્યા પડેલ કાચનો સ્ટેન્ડ લઈને મને મારતા મારા ડાબા હાથમા પોચા ઉપર ઘા લાગેલ હતો તથા જમણા પગમાં નળાના ભાગે ઘા લાગતા લોહી નિકળવા લાગેલ હતું. બાદ અમારા બન્ને વચ્ચે ઝપાઝપી થયેલ હતી. દરમિયાન પાડોશી નારણભાઈએ દોડી આવી અમને છૂટા પાડેલ હતા. બાદમાં હું સારવાર અર્થે દાખલ થયેલ હતો. મામલામાં યુવકે પિતા અને બહેન વિરુદ્ધ ફરિયાદ આપતાં ઉપલેટા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.