New Delhi,તા.12
આવકવેરા વિધેયક-2025નું નવું સંશોધીત સંસ્કરણ સોમવારે લોકસભામાં પસાર થઈ ગયું છે. નાણામંત્રી નિર્મલા સીતારામને (સંખ્યાંક-2) વિધેયક-2025 રજુ કરેલુ જેને ગૃહમાં ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યું હતું તેમાં પગારદાર કરદાતાઓને ઘણી રાહત આપવામાં આવી છે. તેમાં કેટલીક જૂની જોગવાઈઓને ફરીથી જોડવામાં આવી છે, જેમાં આવકવેરા રિફંડ સાથે જોડાયેલ જોગવાઈ પણ સામેલ છે.
ભાજપ નેતા બૈજયંત પાંડાની અધ્યક્ષતાવાળી લોકસભાની પ્રવર સમીતીએ જૂના મુસદ્દામાંથી અનેક વિસંગતિઓ પકડી હતી અને 285 સંશોધન સૂચવ્યા હતા. સરકારે બધા સંશોધનોનો સ્વીકાર કરતા વિધેયકના નવા સંસ્કરણને લોકસભામાં બીજીવાર રજુ કર્યું હતું, જેને મંજુરી અપાઈ હતી.
વિધેયકમાં ટીડીએસ રિફંડ દાવાની જૂની જોગવાઈઓ ફરીથી લાગુ કરવામાં આવી છે. હવે કરદાતાઓને અંતિમ તારીખ બાદ આઈટીઆર દાખલ કર્યા બાદ પણ રિફંડ મળી શકશે. ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલ વિધેયકમાં આ જોગવાઈને હટાવી દેવામાં આવી હતી, જયારે હવે આવકવેરા રિટર્ન ભરતી વખતે આકલન વર્ષની જગ્યાએ ‘કર વર્ષ’ની વ્યવસ્થા લાગુ થશે.
વિધેયકમાં કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)ને વધુ અધિકાર આપવામાં આવ્યા છે, જે પહેલા સીમીત હતા.
સંશોધિત આવકવેરા બિલમાં નવા ફેરફાર:
પગારદાર માટે: 1. કોઈ કર જવાબદારી વિના શૂન્ય ટીડીએસ સર્ટિફિકેટની સુવિધા મળશે. 2. ધારા 87-એ અંતર્ગત છૂટની સીમા રૂા.60000 થઈ ગઈ છે. તેના કારણે 12 લાખ સુધીની કર યોગ્ય આવક વાળાએ ટેકસ નહીં આપવો પડે. 3. પ્રાઈવેટ પેન્શન યોજનાઓમાં પણ એકમ રકમ ઉપાડ પર કર છૂટ મળશે. 4. સરકારની યુપીએસ પેન્શનમાં પણ કર છુટની જોગવાઈ સામેલ હશે. 5. ટીડીએસ દાવામાં સુધારાના વિવરણ દાખલ કરવાની સમયસીમા ઘટાડીને બે વર્ષ કરી દેવામાં આવી છે, જે 6 વર્ષની હતી.
ઘર-દુકાન વાળાઓ માટે: 1. અસ્થાયી રીતે ખાલી પડેલી ઈમારત કે ઘરો પર ‘નોશનલ રેટ ટેકસ’ નહીં લાગે. 2. મકાનની આવક પર 30 ટકા માન્ય કપાત હવે નગરપાલિકા ટેકસ ઘટાડયા બાદ લાગુ થશે. 3. ભાડા પર આપવામાં આવેલ સંપતિ માટે પ્રી-ક્ધસ્ટ્રકશન ઈન્ટરેસ્ટની કપાત પણ હવે ઉપલબ્ધ થશે. 4. વ્યાવસાયિક પ્રોપર્ટીને પણ આ રીતે વ્યાખ્યાઈત કરાઈ છે કે જો તેનો અસ્થાયી રીતે ઉપયોગ ન હોય તો, તેના પર ‘હાઉસ પ્રોપર્ટી’ની જેમ ટેકસ નહીં લાગે.
વ્યવસાય, વેપારીઓ અને કંપનીઓ માટે: 1. ઈન્ટર-ડિવિડન્ડ કપાત: જૂના ડ્રાફટમાં હટાવવામાં આવેલ જોગવાઈ પાછું જોડવામાં આવેલ છે, જેનાથી એક જ ડિવિડન્ડ પર વારંવાર ટેકસ લાગવાથી બચાવ થશે. 2. દાન પર છુટ: બિનલાભકારી સંગઠનો અને ધાર્મિક ટ્રસ્ટોને મળનારા ગુમનામ દાન પર ટેકસ છૂટ ચાલુ રહેશે. 3. ટીડીએસ/ટીસીએસ પર સ્પષ્ટતા: શૂન્ય અને ઓછી કપાત સર્ટીફીકેટનો ઉલ્લેખ ફરીથી જોડવામાં આવ્યો છે, જેથી વિવાદ ન થાય. 4. એમએસએમઈ વ્યાખ્યા: સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોની વ્યાખ્યા એમએસએમઈ કાનૂન-2006 મુજબ કરવામાં આવી.