પિતા જાણીતા સિંગર હોવા છતાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં નીલ નીતિન મુકેશ ઘણા વર્ષોથી કામ માટે સંઘર્ષ કરી રહ્યો છે
Mumbai, તા.૧૨
બોલિવૂડ એક્ટર નીલ નીતિન મુકેશ જાણીતા પ્લેબેક સિંગર નીતિન મુકેશનો પુત્ર છે. આમ છતાં, ફિલ્મી દુનિયામાં તેની કારકિર્દી ખાસ જામી શકી નથી. તેણે જોની ગદ્દાર, ન્યૂયોર્ક, સાહો, ગોલમાલ અગેન, પ્રેમ રતન ધન પાયો જેવી ફિલ્મમાં કામ કર્યું છે. અનેક લોકોએ તેના કિલર લુક અને દમદાર કામની પ્રશંસા પણ કરી હતી. જો કે, નીલને આ ફિલ્મોથી પણ ખાસ કોઈ ફાયદો થયો નથી. પિતા જાણીતા સિંગર હોવા છતાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં નીલ નીતિન મુકેશ ઘણા વર્ષોથી કામ માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં નેપોટિઝમ વિશે વાત કરતાં કહ્યું કે, ‘હું નસીબદાર છું, મારો જન્મ જ ઇન્ડસ્ટ્રીના જાણીતા ગાયકના ઘરે થયો છે. પણ આ વાતે મારી મહેનત અને સંઘર્ષને નિષ્ફળ બનાવી છે. પરિવાર ભલે ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છે પણ તેનાથી ક્યારેય મારો ફાયદો નથી થયો,’ આ અંગે વાત કરતા તેણે કહ્યું કે, ‘ હું આજે પણ કામ મળે તે માટે સંઘર્ષ કરી રહ્યો છું, મને ક્યારે પણ મુકેશજી કે નીતિન મુકેશજી કે કોઈએ મદદ નથી કરી. અમારી ત્રણ પેઢીએ ઇન્ડસ્ટ્રીમાં કામ માટે ઘણો સંઘર્ષ સહન કર્યો છે. આજે અમે ઇન્ડસ્ટ્રીમાં કામ માટે અને ઘરના ખર્ચ માટે ખૂબ મહેનત કરીએ છીએ,’નીલનું માનવું છે કે ‘ઇન્ડસ્ટ્રીમાં ટેલન્ટ હંમેશાં ડોમિનેટ રહ્યું છે. ભલે તમને કેટલીક તક મળી જાય, પરંતુ સ્કિલ વિના એક એક્ટર ઇન્ડસ્ટ્રીમાં સર્વાીવ નથી કરી શકતો. આજની પેઢીની વાત કરીએ તો શાહરૂખ ખાન સરને જ જોઈ લો, શું તે બેન્ચમાર્ક નથી? શું તે એક આદર્શ અભિનેતા નથી? ફક્ત એટલા માટે નહીં કે તે દુનિયાના સૌથી મોટા સુપરસ્ટાર છે, પરંતુ એટલા માટે પણ કે તેઓ આઉટસાઇડર હતા જે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા અને ઘણી સફળતા મેળવી હતી. અમે બધા શાહરૂખ સર અને કાર્તિક આર્યન જેવા કલાકારો પાસેથી પ્રેરણા લઈએ છીએ. કાર્તિક નૉન-ફિલ્મી પરિવારથી બિલોન્ગ કરે છે. તેનો પરિવાર ખૂબ જ સિમ્પલ છે.’