Junagadh,તા.૧૨
આપણે ત્યાં એક કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. ત્યારે આ કહેવત શબ્દશઃ સાચી ઠરી છે જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના સુલતાનાબાદ ગામ ખાતે. જ્યાં એક વ્યક્તિ દ્વારા ક્રેડિટ કાર્ડના રીવોર્ડ પોઇન્ટ મેળવવાની લાલચમાં એક નહીં બે નહીં પરંતુ ત્રણ લાખ આસપાસ રૂપિયાની રકમ ગુમાવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે સાઇબર પોલીસ સ્ટેશન જુનાગઢ રેન્જ ખાતે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા સાઇબર ફ્રોડ આચરનારી ગેંગના સભ્યોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
૩૭ વર્ષીય રાજુ કણજારીયા નામના ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિ દ્વારા અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ સાયબર પોલીસ સ્ટેશન જુનાગઢ રેન્જ ખાતે બી.એન.એસ ની કલમ ૩૧૬ (૨), ૩૧૮(૪) તેમજ આઇટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો છે. જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના સુલતાનાબાદ ખાતે રહેતા રાજુ કણજારીયા નામના વ્યક્તિ દ્વારા પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે માણાવદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ડ્રાઇવિંગ કરે છે. ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ હું મારા ઘરે હતો ત્યારે અજાણ્યા નંબર પરથી મને ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ મને પોતાનું નામ મમતા શર્મા આઇસીઆઇસીઆઇ બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગમાંથી વાતચીત કરતા હોવાનું જણાવ્યું હતું.
તેમજ કહ્યું હતું કે બેંકના ક્રેડિટ કાર્ડમાં તમને રીવોર્ડ પોઇન્ટ મળેલા છે. જે પોઇન્ટ મેળવવા માટે હું કહું તેમ તમારા મોબાઇલ ફોનમાં તમારે પ્રોસેસ કરવાની રહેશે. ત્યારબાદ મને મારા મોબાઈલ નંબર ઉપર ટેક્સ્ટ મેસેજ દ્વારા એક લિંક મોકલી આપવામાં આવી હતી. જે લિંક પર ક્લિક કરતા આઇસીઆઇસીઆઇ એપીકે નામની એક ફાઈલ ડાઉનલોડ થઈ હતી. ત્યારબાદ મને તે એપ્લિકેશનમાં વિગત ભરી અને સબમિટ કરવાનું જણાવતા મેં વિગતો ભરીને તમામ પ્રોસેસ કરી હતી. દરમિયાન મારા ક્રેડિટ કાર્ડ નંબરમાંથી ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ જુદા જુદા ત્રણ જેટલા ટ્રાન્જેક્શન મારી જાણ બહાર થયા હોવાનું મને જાણવા મળ્યું હતું. પૈસા ઉપડી જતા મેં ફોન કરીને વાતચીત કરતા મને જણાવ્યું હતું કે તમારા પૈસા રીવોર્ડ પોઇન્ટ માટે કપાઈ ગયા છે. તમને તમારા ગયેલા પૈસા રીવોર્ડ પોઇન્ટ સાથે તમને પરત મળી જશે તેવું જણાવવામાં આવ્યું હતું. આમ મારી જાણ બહાર મારા ક્રેડિટ કાર્ડમાંથી ૨,૮૩,૧૧૪ રૂપિયા જેટલી રકમ ઓનલાઇન ટ્રાન્સફર અન્ય વ્યક્તિના ખાતામાં થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ તપાસ કરતા મારા બેંકના ક્રેડિટ કાર્ડમાંથી ૭૪,૯૯ રૂપિયાના કંપનીના મોબાઈલ ફોનની ખરીદી કરવામાં આવી છે. તેમજ એક લાખ ૯૨,૫૯ની કિંમતના એપલ કંપનીનો મોબાઈલ ફોન તેમજ એરપોડ્સની ખરીદી કરવામાં આવી છે. તેમજ ૧૫૫૪૬ની બ્લિંકિટમાંથી ખરીદી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે