Gandhinagar ,તા.૧૨
થોડા સમય પહેલાં દેશભરમાં વિદેશી નાગરિકોને નિશાન બનાવતા ફેક કોલ સેન્ટરોનો મામલો ચર્ચામાં હતો. જોકે, આવા કોલ સેન્ટરોની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં, ગુજરાત પોલીસ સતત આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા પ્રયાસ કરી રહી છે. આવી જ એક કામગીરી ગાંધીનગર એલસીબી-૨ની ટીમે ૨૬ જુલાઈ, ૨૦૨૫ના રોજ ડભોઈ પોલીસ સ્ટેશન હેઠળના મેદરા ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં કરી હતી. પરંતુ આ ઓપરેશનમાં પોલીસની કામગીરી પર શંકાના વાદળો ઊભા થયા છે, ખાસ કરીને ફાર્મ હાઉસના માલિકને બચાવવાના મુદ્દે.
ગાંધીનગર એલસીબી-૨ ટીમને ગુપ્ત બાતમી મળી હતી કે, મેદરા ગામના ફાર્મ હાઉસમાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલી રહ્યું છે, જેમાં મહિલા સહિતના લોકો સામેલ છે. આ કોલ સેન્ટર દ્વારા અમેરિકન નાગરિકોનો ડેટા મેળવી, લેપટોપ પરથી કોલિંગ સૉફ્ટવેરનો ઉપયોગ કરીને એમેઝોનના નામે ઓનલાઈન પાર્સલમાં ડ્રગ્સ હોવાનો ડર બતાવી છેતરપિંડી આચરવામાં આવતી હતી. આ બાતમીના આધારે પોલીસે ફાર્મ હાઉસ પર દરોડો પાડ્યો.
દરોડા દરમિયાન પોલીસે ફાર્મ હાઉસમાંથી એક મહિલા સહિત ચાર આરોપીઓને પકડી પાડ્યા. આરોપીઓમાં ઉત્તર પ્રદેશના આર્યમાન સિંગ (ઉર્ફે ઠાકુર), મહારાષ્ટ્રના પૂણેના પ્રસાદ ઉર્ફે પપ્પુ ભગત, સનોજલાલ ઉર્ફે સેન્ડી લોપઝ, અને એન્જેલા ગાયકવાડનો સમાવેશ થાય છે. પોલીસે ઘટનાસ્થળેથી ૧૧ લેપટોપ, ૫ મોબાઈલ ફોન, ૨૯૦૦ રોકડ, નેટવર્ક સાધનો સહિત કુલ ૨.૧૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
જોકે, આ કેસમાં ફાર્મ હાઉસના માલિકનું નામ ફરિયાદમાં ઉલ્લેખિત નથી, જે ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે ગુનામાં સામેલ અન્ય ત્રણ શખ્સો—નિર્મીત રાજેન્દ્રભાઈ શાહ, નીલ પટેલ, અને ભાવાભાઈ (જે ફાર્મ હાઉસમાં રસોઈયા તરીકે કામ કરતા હતા)—ના નામ ફરિયાદમાં નોંધ્યા. પરંતુ ફાર્મ હાઉસના માલિકની જાણ બહાર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલવી શક્ય નથી, તેમ છતાં પોલીસે માલિક સામે કોઈ કાર્યવાહી ન કરી. આ બાબતે શંકા ઉભી થઈ છે કે પોલીસે માલિકને બચાવવાનો પ્રયાસ કર્યો છે કે પછી અન્ય કોઈ કારણ છે.
પકડાયેલા મુખ્ય આરોપી આર્યમાન સિંગે પોલીસને જણાવ્યું કે, ધર્મનગર, અમદાવાદના નિર્મીત રાજેન્દ્રભાઈ શાહ અને નીલ પટેલે તેને આ ફાર્મ હાઉસમાં લાવ્યા હતા. તેમણે મહિને ૪૦ હજાર રૂપિયાનું કમિશન આપવાનું નક્કી કર્યું હતું. આર્યમાન ૧૫ જુલાઈએ ફાર્મ હાઉસમાં આવ્યો અને દરોડા પડ્યાના ૩-૪ દિવસ પહેલાં અન્ય સાથીઓને બોલાવ્યા હતા. ફાર્મ હાઉસમાં જ તમામ આરોપીઓ રહેતા હતા, અને ભાવાભાઈને રસોઈ અને અન્ય કામ માટે રાખવામાં આવ્યા હતા.આર્યમાને પૂછપરછમાં જણાવ્યું કે, તે લેપટોપ દ્વારા અમેરિકન નાગરિકોને ફોન કરતો અને નિર્મીત કે નીલ સાથે વાતચીત કરાવતો. ડેટા અંગે તેણે જણાવ્યું કે, નિર્મીત અને નીલે એમેઝોનના કોઈ વ્યક્તિ પાસેથી અમેરિકન નાગરિકોનો ડેટા મેળવ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે, આ ઇન્ટરનેશનલ કોલ સેન્ટરમાં સાત સભ્યો સામેલ હતા, જેમાં બહારના રાજ્યોમાંથી તાલીમબદ્ધ અંગ્રેજી બોલી શકતા લોકોને રાખવામાં આવ્યા હતા. આ ગેંગ ફાર્મ હાઉસ કે ફ્લેટ ભાડે રાખી ચોરી-છૂપીથી કામ કરતી હતી. મુખ્ય સૂત્રધારો લેપટોપ અને કોલ સેન્ટરના સાધનો પૂરા પાડતા, અને આરોપીઓ એમેઝોનના નામે પાર્સલ મંગાવનાર અમેરિકન નાગરિકોનો ડેટા મેળવતા. બાદમાં ઇન્ટરનેટ સૉફ્ટવેર દ્વારા ફોન અને મેસેજ કરી, પાર્સલમાં ડ્રગ્સ હોવાની ધમકી આપી ગિફ્ટ કાર્ડ દ્વારા ડૉલરની ઉઘરાણી કરતા. આ રકમ હવાલા એજન્સી દ્વારા ટાર્ગેટ કાર્ડ અને વૉલમાર્ટ જેવા સ્ટોર્સમાંથી મેળવવામાં આવતી.