New Delhi તા.13
અમેરિકાએ લાદેલા 50 ટકા ટેરીફને પગલે ભારતીય નિકાસ પર સંકટ સર્જાયુ છે. ત્યારે કેન્દ્ર સરકારે નાના કારોબારીઓ-નિકાસકારોને 20 લાખ સુધીની કોલેટ્રલ-ફ્રી (જામીન વિનાની) લોન આપવા સહીતની રાહત યોજના જારી કરવાની તૈયારી કરી છે. અમેરિકાનાં વિકલ્પમાં અન્ય 50 દેશોમાં નિકાસ વધારવા પ્રોત્સાહન આપવાનો એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારનાં માહિતગાર સુત્રોએ કહ્યું કે, અમેરિકાનાં વિકલ્પમાં મધ્યપૂર્વ, આફ્રિકા, લેટીન અમેરીકા, યુરોપ તથા અન્ય મળીને 50 જેટલા દેશોને અલગ તારવીને જયાં નિકાસ વ્યવહાર વધારવાની યોજના ઘડવામાં આવી છે.
ભારતની કુલ નિકાસમાં 90 ટકા હિસ્સો આ દેશોનો છે. કેન્દ્રીય વાણીજય મંત્રાલય અગાઉથી જ 20 દેશોમાં નિકાસ વધારવા ફોકસ કરી જ રહ્યું હતું અને હવે તેમાં 30 દેશોનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ રણનીતિથી નિકાસ વધારવામાં મદદ મળશે. ઉપરાંત અમેરિકી ટેરીફથી સંભવીત નુકશાન સરભર કરવામાં મદદ મળશે.
સુત્રોના કહેવા પ્રમાણે અમેરિકી ટેરીફ વોરને પગલે ભારતને થનારી અસર તથા વૈકલ્પિક એકશન પ્લાન વિશે વ્યાપાર મંત્રાલયમાં સતત બેઠકોનો દોર છે.ભારતમાંથી નિકાસ થતી પ્રોડકટ, વૈશ્વિક ડીમાંડ, તેમાં સ્પર્ધા સહિતના પાસાઓની સમીક્ષા થઈ રહી છે. વેપાર ઉદ્યોગોનાં પ્રતિનિધિઓને પણ તેમાં સામેલ કરવામાં આવી રહ્યા છે.
એન્જીનીયરીંગ ગુડઝ માટે મકાઉ, જોર્જીયા, નોર્વે ગ્રીસ જેવા નવા દેશો પર નજર દોડાવવામાં આવી રહી છે. ફૂડ-કૃષિ માટે નાઈજીરીયા, બ્રાઝીલ, કેનેડા, સ્વીટઝરલેન્ડ, તથા મેકસિકો પર ફોકસ રહેશે. ટેકસટાઈલ્સ કપડા માટે બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલીયા, આફ્રિકા, લેટીન અમેરીકાનાં ઉભરતા બજારો નવી આશા છે. સરકાર લોકલ ઉત્પાદકો તથા નિકાસકારોને આ માટે અનેકવિધ પ્રોત્સાહન પણ આપશે.
સુત્રોએ ઉમેર્યુ કે, નિકાસમાં યોગદાન આપતા એમએસએમઈ ક્ષેત્રને કોલેરલ-ફ્રી લોનની મર્યાદા 10 લાખથી વધારીને 20 લાખ કરવામાં આવશે. આ માટે રીઝર્વ બેન્ક સાથે વાતચીત શરૂ કરવામાં આવી છે. આ સિવાય 90 દિવસનાં ધિરાણ પર લોન ગેરેંટી યોજના લાગુ કરવામાં આવશે.
500 કરોડ રૂપિયાનો કારોબાર ધરાવતાં ઉદ્યોગોને લોન આપવા માટે સરકાર 10 થી 15 ટકાની લોન ગેરેંટી આપશે અગાઉ નાણામંત્રીએ 2025-26 ના નાણાંકીય વર્ષનાં બજેટમાં નાના નિકાસકારોને ટર્મલોન આપવાનું અને તે માટે સરકાર 70 થી 75 ટકાની ગેરેંટી આપશે તેવુ જાહેર કર્યું હતું. એમ મનાય છે કે નવી ક્રેડીટ ગેરેંટી યોજના તથા ટર્મલોન યોજનાથી નાના કારોબારીઓને રાહત થશે.