Vadodara,તા.13
રાજ્યનાં DGP વિકાસ સહાયની અધ્યક્ષતામાં 19 ઓગસ્ટના રોજ એકતાનગર કેવડિયા ખાતે રાજ્ય પોલીસ વિભાગની માસિક ક્રાઈમ કોન્ફરન્સ યોજાશે. કેવડિયામાં રાજ્યનાં DGPનું ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરાશે.
અહી પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરાશે. આ મહત્વપૂર્ણ ‘ક્રાઈમ કોન્ફરન્સ’મા રાજ્યનાં નવ રેન્જ આઈજી, ચાર શહેરોના પોલીસ કમિશનર, પોલીસ અધિક્ષક સહિત રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
આ કોન્ફરન્સ દરમિયાન ડીજીપી વિકાસ સહાયે પોલીસ વિભાગનાં જુલાઈ માસ તેમજ જાન્યુઆરીથી જુલાઈ સુધીના છ માસની કામકાજની વિસ્તૃત સમીક્ષા કરશે અને જરૂરી સૂચનો પણ કરશે.
રાજ્ય પોલીસના વિવિધ વિભાગોની કામગીરીનાં સરવૈયાની ચર્ચા ઉપરાંત કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવશે. ક્રાઈમ કોન્ફરન્સમાં ડિજિટલ ક્રાઈમ, ટ્રાફિક સમસ્યા, વગેરે સહિત પર પણ ચર્ચા કરાશે. ઉલ્લેખનીય છે કે જન્માષ્ટમીની રજાઓ બાદ તરત 19 ઓગસ્ટના કેવડિયા એકતા નગર ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક મળશે અને ચર્ચા કરાશે.