Prabhaspatan,તા.13
ભારતની અગ્રણી સંરક્ષણ સંશોધન સંસ્થા વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ-ભારત દ્વારા ભારતીય કૃષિ સંશોધન હેઠળ કાર્યરત મત્સ્ય સંશોધન સંસ્થાઓ સી.એમ.એફ.આર.આઈ અને સી.આઈ.એફ.ટીના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યના મુખ્ય બંદરો વેરાવળ અને પોરબંદર ખાતે શાર્ક સહિત તમામ પ્રજાતિઓનાં બચ્ચાની માછીમારી ઘટાડવાના પ્રયાસોના ભાગ રૂપે વિકસાવવામાં આવનારા ઉપકરણ માટે વેરાવળ નાં ભીડિયામાં આવેલ કેવટ ભુવન ખાતે, માંગરોળ અને પોરબંદરમાં બોટ એસોસિએશન હોલ ખાતે આયોજીત ટ્રેનિંગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માછીમારો સહભાગી થયા હતા.
તાલીમનાં મુખ્ય નિષ્ણાત સી.એમ.એફ.આર.આઈનાં વૈજ્ઞાનિક ડો. રાજન કુમાર દ્વારા મત્સ્યોધોગ પર જુવેનાઇલ (બચ્ચા) ફિશીંગથી થતી અસર, ઉપકરણ વિકસાવવા માટે માછીમારો પાસેથી જરૂરી માહિતી તેમજ મત્સ્યોધોગ સંરક્ષણ અંગે વિસ્તૃત વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.
સી.આઈ.એફ.ટીનાં વૈજ્ઞાનિક ડો. ચિન્નાદુરાઈ દ્વારા વિકસાવવામાં આવનાર ઉપકરણ ડિઝાઈન, કેવી રીતે કામ કરશે અને તેના ફાયદા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
ડો. રાજન કુમાર, ડો. ચિન્નાદુરાઈ અને વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ-ભારતનાં ગુજરાત ઇન્ચાર્જ ધવલ જુંગીએ તાલીમ અને ઉપકરણ નાં ઉપયોગ અંગે માછીમારોને ઉદભવતા પ્રશ્નો અને સમસ્યાઓને સાંભળી માછીમારો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ ટ્રેનિંગ કાર્યક્રમો ત્રણેય બંદરોના બોટ તથા હોડી એસોસિએશનના પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયો હતો.