Mumbai,તા.13
ભારતીય વનડે ટીમના કેપ્ટન રોહિત શર્મા મેન્સ વનડે આઈસીસી બેટર રેન્કિંગમાં બીજા ક્રમે પહોંચ્યો છે. બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા રેન્કિંગમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં રોહિત શર્મા એક ક્રમની છલાંગ સાથે બીજા ક્રમે પહોંચ્યો છે. તેમણે પાકિસ્તાનના સ્ટાર બેટર બાબર આઝમને પાછળ પાડ્યો છે. બાબર હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ વનડે સીરિઝમાં કોઈ ખાસ કરામત કરી શક્યો નથી. જેથી તે ત્રીજા ક્રમે પહોંચ્યો હતો.
ટીમ ઈન્ડિયાનો હિટમેન ટેસ્ટ અને ટી20 મેચમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. આગામી ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારી વનડે મેચ તેની ફેરવેલ મેચ હોવાની અટકળો વચ્ચે રોહિત શર્મા ટોચનો બીજો વનડે બેસ્ટ બેટર બન્યો છે.
ગિલ ટોપ પર યથાવત
આઈસીસીના નવા વનડે બેટર રેન્કિંગમાં શુભમન ગિલે અવ્વલ સ્થાન જાળવી રાખ્યું છે. ગિલ 784 રેટિંગ સાથે પ્રથમ ક્રમે, રોહિત શર્મા 756 રેટિંગ સાથે બીજા ક્રમે છે. જ્યારે બાબર આઝમ 751 રેટિંગ સાથે ત્રીજા ક્રમે છે. ચોથા ક્રમે વિરાટ કોહલી 736 રેટિંગ ધરાવે છે.