વઢવાણ ગુજરાતભરમાં મેળાનો માહોલ જામ્યો છે. ત્યારે મેળાનું અભિન્ન અંગ વઢવાણના ચકડોળ ગણાય છે. એક ચકડોળને બનાવવા 100 દિવસ થાય છે. આ ચકડોળને મેળાના સ્થળે ફીટ કરવામાં એક સપ્તાહ થાય છે. 1 ચકડોળનું વજન અંદાજે 20થી 25 ટન હોય છે.
હાલ 112 લોકો બેસી શકે તેવા 28 પાલખીવાળો ચકડોળ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. શ્રાવણ-ભાદરવા માસમાં ગુજરાતભરમાં વિવિધ 100થી વધુ મેળા ભરાય છે. આ મેળાઓમાં ચકડોળમાં બેસવા લાખોની મેદની ઊમટી પડે છે. ત્યારે ચકડોળ બનાવનાર કારીગરોની કલા મેળાના માણીગરો માણે છે. વિશ્વ પ્રસિધ્ધ તરણેતરનો મેળો અને વઢવાણનો મેળો ચકડોળમાં વિવિધતા લાવે છે.
ચગડોળ બનાવતા કારીગરો પાસેથી ચકડોળની કેટલીક અવનવી બાબતો જાણી હતી. એક ચકડોળ બનાવતા 100થી વધુ દિવસ થાય છે. 1 ચકડોળ 20થી 25 ટન વજન ધરાવે છે. અને તેને લોખંડના પટ્ટા, પટ્ટીઓ સહિતની સામગ્રીથી સજ્જ કરવામાં આવે છે. આ ચકડોળને મેળામાં ફીટ કરવામાં 7 દિવસ જેટલો સમય લાગે છે.
કોરોના કાળમાં તેમજ રાજકોટ અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં મેળાઓ બંધ થઇ જતા આ વ્યવસાય પર ચકડોળો બનાવનાર અને મેળામાં રોજીરોટી રળતા મજુરો પર માઠી અસર થઇ હતી. મોંઘવારીના કારણે હાલ નાના મોટા 25થી વધુ ચકડોળ રૂ. 10થી 40 લાખમાં બનીને વેચાણ થાય છે.
વઢવાણના કારીગરોએ બનાવેલા વિવિધ ચકડોળો રાજ્યભરમાં જોવા મળે છે. જેમાં જાઇન્ટ વ્હીલ, સુપરડુપર, બ્રેકડાન્સ, રેન્જર, ફોરવ્હીલ, કોલબંસહોડકુ, ડ્રેગન ટ્રેન, મારૂતિ કૂવો, ડોર ટુ ડોર વગેરે વિવિધ ચકડોળ બનાવાયા છે. હાલ ગુજરાતભરના મેળામાં વઢવાણના કારીગરોએ બનાવેલા ચકડોળ જોવા મળે છે. હાલ વઢવાણ રેલવે મેદાનમાં ચકડોળ ફીટ થઈ રહ્યા છે.
ચકડોળ વગરનો મેળો ન હોય. આજે પણ મેળામાં જાઇન્ટ વ્હીલ અને આધુનિક રાઇડ્સ તો હોય છે, પરંતુ એક સમયે મેન પાવરથી ચાલતા ચકડોળ હવે અદ્રશ્ય થઇ ગયા છે. માણસ પોતાના હાથથી ધક્કો મારીને અને દોડીને ચકડોળને ગતિ આપે. આવા ચકડોળની ગતિ આજની આધુનિક રાઇડ્સ કરતા ઓછી હતી.
પરંતુ તેની મજા કંઇક અલગ હતી. જે હવે મોટાભાગના મેળામાંથી અદ્રશ્ય થઇ ગઇ છે. આવા મેઇન ઓપરેટેડ ચકડોળ હવે ક્યાંક જ જોવા મળે છે. જ્યારે મોટાભાગની રાઇટ્સ ઈલેક્ટ્રિક થઇ ગઇ છે.

