Junagadh તા.14
વંથલીના માણેકવાડા ગામે રહેતા શખ્સે આરોપી પીયાગો રિક્ષા ચાલકને સાઈડમાં રિક્ષા લઈને પેસેન્જરોને લેવાનું કહેતા વંથલીના બે શખ્સોએ વંથલી આવીશ ત્યારે જોઈ લેશું તેવી ધમકી આપી હતી. રિક્ષા ચાલક વંથલી જતાં બન્ને આરોપીઓએ ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી આડેધડ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વંથલી પોલીસમાંથી મળતી વિગત મુજબ માણેકવાડા ગામે રહેતા ફરિયાદી ભીખુભાઈ ઉર્ફે કારાભાઈ મુછડીયા (ઉ.45) એ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.11-8ના આરોપીઓ અમાર હનીફ જેઠવા અને તોહીબ પટેલ બન્ને પોતાની પીયાગો રિક્ષામાં માણેકવાડા ગામે મેળામાં રોડ ઉપર પેસેન્જરો ભરતા હોય ત્યારે ફરિયાદી ભીખુભાઈ ઉર્ફે કારાભાઈએ રિક્ષાચાલકોને કહેલ કે સાઈડમાં લઈને પેસેન્જરો ભરો ટ્રાફીક જામ થઈ જશે અને અમારા પ્રમુખ અમને ઠપકો આપશે તેમ કહેતા બન્ને રિક્ષાચાલકોએ કહેલ કે વંથલી આવીશ ત્યારે જોઈ લઈશું.
ગઈકાલે 11.45 કલાકે ભીખુભાઈ વંથલી ગયેલ ત્યારે આરોપીઓ અમાર હનીફ જેઠવા અને તોહીબ પટેલ બન્ને સ્કુટીમાં આવી વંથલી બસસ્ટેશન પાસે ફરીને જેમફાવે તેમ ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા જુનાગઢ ના.પો. અધિકારી હીતેષ ધાંધલ્યાએ તપાસ હાથ ધરી છે.
યુવતીનો આપઘાત
મેંદરડાના સુરજગઢ ગામે રહેતી કોલેજીયન યુવતી નેહાબેન મુળુભાઈ તગડીયા (ઉ.20) કોલેજમાં અભ્યાસ કરતી હોય અભ્યાસ બાબતનું ટેન્સન રહેતુ હોવાના કારણે ગત તા.12-8ના રોજ જંતુનાશક ઝેરી દવા પી લેતા રાજકોટ સરકારી દવાખાને લઈ જતાં જયાં સારવાર દરમ્યાન મોત નોંધાયું હતું. મેંદરડા પોલીસે તપાસ હાથ ધરી છે.