New Delhi,તા.18
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭૯મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે લાલ કિલ્લા પરથી ધ્વજ વંદન બાદ રાષ્ટ્રજોગ સંબોધનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વખાણ કર્યા હતા. સંઘના ૧૦૦માં સ્થાપના દિનનો ઉલ્લેખ કરતા કહ્યું કે ૧૦૦ વર્ષ અગાઉ એક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બન્યું હતું. વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય નાગરિકો અને દેશના ઇન્ફ્રાસ્ટ્રકચરને દુશ્મનોના હુમલા સામે રક્ષણ આપે તેવી બહુસ્તરીય ફ્રેમવર્ક સુદર્શન ચક્ર ભારત વિકસાવશે જે એડવાન્સ સર્વિલિયન્સ અને સાયબર હુમલા સામે પણ રક્ષણ આપશે.
વડાપ્રધાન મોદીએ આરએસએસની પ્રસંશા કરતા કહ્યું કે, રાષ્ટ્રની સેવાના ૧૦૦ વર્ષ ગૌરવપૂર્ણ, સ્વર્ણિમ અધ્યાય છે. આરએસએસ વિશ્વનો સૌથી મોટો એનજીઓ છે. અને ૧૦૦ વર્ષના સમર્પણનો ઇતિહાસ છે. સંઘના લોકો ૧૦૦ વર્ષથી રાષ્ટ્રની સેવા કરી રહ્યા છે અને દેશની ૧૦૦ વર્ષની યાત્રામાં સંઘનું મહત્વનું યોગદાન છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સુદર્શન ચક્ર મહદંશે ઇઝરાયેલના આર્યન ડોમ અને યુએસના સૂચિત ગોલ્ડન ડોમ સમાન હશે જે મિસાઇલ ડિફેન્સ શિલ્ડ તરીકે પણ કામ કરશે. તેમણે ભારત પોતાની ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરશે તેની જાહેરાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબંધમાં વધુમાં જણાવ્યું હતું કે આર્ટિફિશ્યિલ ઇન્ટેલિજન્સ, ઉર્જા, ફાઇટર જેટ એન્જિનો સહિતના તમામ ક્ષેત્રોમાં સ્વર્નિભર બનીને ‘સમૃદ્ધ ભારત’ની રચના કરવાની આહ્વાન આપ્યું હતું. સંરક્ષણ ક્ષેત્રે મહત્વની જાહેરાત રુપે દેશની અવકાશી સુરક્ષાના ભાગ રુપે દેશના સુરક્ષા છત્ર તરીકે ‘સુદર્શન ચક્ર’ તૈયાર કરવાની પણ ઘોષણા તેમણે કરી હતી. અમેરિકા જ્યારે વેપારક્ષેત્રે રક્ષણાત્મક નીતિ પર ભાર મૂકી રહ્યું છે ત્યારે ‘આત્મ નિર્ભરતા’ જ એક માત્ર વિકલ્પ છે તેના પર મોદીનું સતત બારમાં સ્વાતંત્ર્યદિનનું સંબોધન કેન્દ્રિત થયું હતું. સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મોદીએ ૧૦૩ મિનિટનું ભાષણ કર્યું હતું જે અગાઉના તમામ ૧૧ ભાષણો કરતા લાંબું હતું.
અમેરિકાએ ભારતથી થતી આયાત પર ૫૦ ટકા ટેરિફ લાદ્યો છે ત્યારે સેમીકન્ડક્ટર્સ સોશિયલ મીડિયા, ફર્ટિલાઇઝર, અને ફાર્મા ક્ષેત્રમાં સ્વનિર્ભરતા અને ઇનોવેશન થવું જોઇએ તેવું મોદીએ હાકલ કરી હતી. તેમણે ટેરિફનો સીધો ઉલ્લેખ કર્યા વગર સ્વર્નિભરતા અને સ્વદેશી અપનાવવા પર ભાર મૂક્યો હતો. ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા જરૂરી સુધારાઓના સૂચનો માટે ટાસ્કફોર્સ રચવામાં આવશે. મોદીએ કહ્યું કે, કટોકટીના સમયમાં આપણે ચિંતા કરવાના સ્થાને આપણી ક્ષમતાઓ અને સિદ્ધિઓ બહેતર કરવી જોઇએ તેવી સમયની માગ છે. ભારતીય ઉત્પાદકોનો મંત્ર ‘દામ કમ, દમ જ્યાદા’ હોવો જોઇએ.
પ્રથમ વાર આ પ્રસંગે મોદીએ ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે દેશની એક્તા, અખંડિતા અને સુરક્ષા સામે ઘૂસણખોરી પડકાર છે. દેશની વસ્તીના સમીકરણો ખોરવવાનું ષડયંત્ર તૈયાર થયું છે. નવી કટોકટીના બીજ રોપાઇ રહ્યા છે. આવું ચાલવા નહી દેવાશે. કોઇ દેશ ઘૂસણખોરો ચલાવી લઇ નહીં શકે.ત્રાસવાદીઓ અને તેમને આશ્રય આપનારાઓને એક સમાન ગણવામાં આવશે અને પડોશી દેશના કોઇ પણ ત્રાસવાદી કૃત્યની સજા ભારતીય સૈન્ય નિર્ણય કરશે તેવું મોદીએ કહ્યું હતું. ભારતે ઘણાં વર્ષો સુધી અણુબોમ્બ અંગેનું બ્લેકમેઇલ સહન કર્યું પણ હવે નહીં કરીશું તેવું મોદીએ કહ્યું હતું.