China,તા.18
તાજેતરના વર્ષોમાં ચીને રોબોટિક્સના ક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરી છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના આગમન પછી ચીન વધુ ઝડપથી રોબોટ્સને આધુનિક બનાવી રહ્યું છે. એવામાં, ચીને 15 થી 17 ઓગસ્ટ દરમિયાન તેની રાજધાની બેઇજિંગમાં ‘વર્લ્ડ હ્યુમનૉઇડ રોબોટ ગેમ્સ’નું આયોજન કર્યું હતું. આ સ્પર્ધામાં દુનિયાભરના રોબોટએ અલગ-અલગ રમતોમાં ભાગ લીધો. આ ટુર્નામેન્ટમાં ઘણા પ્રકારની રમતો યોજાઈ હતી.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો એક અદ્ભુત નમૂનો ચીનમાં જોવા મળ્યો છે. ચીને હ્યુમનૉઇડ રોબોટ્સનો ઓલિમ્પિક કરાવ્યો. આ પ્રકારની આ પહેલી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં 16 દેશોની 280 ટીમએ ભાગ લીધો. આ ‘ઓલિમ્પિક’માં 500થી વધુ રોબોટ સામેલ થયા હતો. તેમજ આ રોબોટ ઓલિમ્પિક જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ ઇવેન્ટના ઘણા વીડિયો પણ સામે આવી રહ્યા છે જેમાં કઈ રીતે રોબોટ ફૂટબોલ રમી રહ્યા છે, બોક્સિંગ રિંગમાં એકબીજા પર હુમલો કરે છે અને રેસિંગ ગ્રાઉન્ડમાં દોડતા જોઈ શકાય છે.
આ આંતરરાષ્ટ્રીય રોબોટ ઓલિમ્પિકમાં 100 મીટર, 400 મીટર અને 1500 મીટરની દોડ, સ્ટેન્ડિંગ લોંગ જમ્પ, જિમ્નેસ્ટિક્સ, ફૂટબોલ, વુશુ અને બોક્સિંગ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વિશ્વ હ્યુમનૉઇડ ગેમ્સનો મુખ્ય ઉદ્દેશ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને રોબોટિક્સમાં થયેલી પ્રગતિને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો છે.રોબોટ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે અમેરિકા, જર્મની, બ્રાઝિલ સહિત 16 દેશોની ટીમ આવી હતી. જેમાં ચીનની યુનિટ્રી અને ફૂરિયર જેવી કંપનીઓએ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ ઇવેન્ટની એક ખાસ વાત એ પણ હતી કે સફાઈ પાડવા જેવા કામોમાં પણ રોબોટ્સ પાસે જ કરાવવામાં આવ્યા હતા.
આ ચાર દિવસીય ઇવેન્ટમાં, પાંચ-પાંચની ટીમવાળા ફૂટબોલમાં ચીનના શિંગુઆ હેફેસ્ટસ રોબોટ્સ વિજેતા બન્યો. જ્યારે, ત્રણ-ત્રણની ટીમવાળા ફૂટબોલમાં ચીનની કૃષિ યુનિવર્સિટીના રોબોટ સ્વીટીએ જર્મનીની ટીમને હરાવી દીધી.