(મિલાપ રૂપારેલ) Amreli, તા.13
અમરેલી SOG ટીમે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એનાલોગ પનીરનું વેચાણ કરતા બે વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં મળતી વિગત મુજબ અમરેલી SOG ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ટીમને મળેલી બાતમીના આધારે સાવરકુંડલા શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસરને સાથે રાખી ડેરી પ્રોડક્ટનું વેચાણ કરતી બે દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં આમવેલ જલારામ બેકરીમાંથી 6.8 કિલો તથા ઈલોરા બેકરીમાંથી 1.1 કિલો, એમ કુલ 7.9 કિલો એનાલોગ પનીરનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન મળી આવેલા આ શંકાસ્પદ ખાદ્ય પદાર્થના જથ્થા અંગે સાવરકુંડલા ખાતે રહેતા મોન્ટુભાઈ સુરેશભાઈ ગણાત્રા તથા મોહિતભાઈ મુકેશભાઈ ગોહિલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ જ લાઠી ખાતેથી પણ અમરેલી SOG ટીમે એનાલોગ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સતત બીજા દિવસે એનાલોગ પનીર સામેની કાર્યવાહીને પગલે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

