New Delhi,તા.19
પરીક્ષામાં ચોરી-છુપીથી પુસ્તકોમાંથી જવાબ લખવાને અત્યાર સુધી પરીક્ષા ચોરી માનવામાં આવતી હતી હવે તેને ચોરી નહીં માનવામાં આવે, આગામી સત્રથી વિદ્યાર્થી પુસ્તકમાંથી જોઈને સવાલોના જવાબ લખી શકશે!
આ નવાઈજનક વાત છે પણ હકીકત છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ) એ શૈક્ષણિક સત્ર 2026-27થી ધોરણ 9 માટે ઓપન બુક એસેસમેન્ટ (ઓબીએ)ને મંજુરી આપી દીધી છે. જેનો ઉદેશ શિક્ષણને પ્રોત્સાહન આપવાનો અને ગોખણપટ્ટીને ઘટાડવાનો છે.
જે અંતર્ગત દરેક સત્રમાં ત્રણ પેપર એસેસમેન્ટ થશે. જેમાં ભાષા, ગણિત, વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન જેવા મુખ્ય વિષય સામેલ છે. ખાસ વાત એ છે કે જેમાં વિદ્યાર્થીઓ સવાલોના જવાબ પુસ્તકોમાંથી જોઈને લખી શકશે.
ધો.10માં 3 વિષયમાં ફેલ છાત્ર બીજી પરીક્ષાને પાત્ર નહીં: સીબીએસઈની ગવર્નીંગ બોડીએ ધો.10ના છાત્રો માટે બે પરીક્ષાને મંજુરી આપી છે. ફેબ્રુઆરીમાં યોજાનાર બોર્ડ પરીક્ષામાં સામેલ થવાની પાત્રતા પુરી કરનાર મે મહિનામાં બીજી પરીક્ષામાં વિજ્ઞાન, ગણિત, સામાજીક વિજ્ઞાન અને ભાષામાંથી વધુમાં વધુ ત્રણ વિષયોમાં સામેલ થઈને પોતાના માર્કસમાં સુધારો કરી શકે છે. પહેલી પરીક્ષામાં ત્રણ વિષયમાં ફેલ થનાર છાત્ર બીજી પરીક્ષા માટે પાત્ર નહીં થાય. તેના માટે તેણે પછીના વર્ષે બીજી વાર પરીક્ષા આપવી પડશે.