ઝેલેન્સ્કીને વિસ્તારોની અદલા-બદલી કરવી નથી અને પુતિનને નાટો સાથે યુક્રેનની દોસ્તી ગમતી નથી, ત્યારે સમાધાન કઈ રીતે થશે?
Washington, તા.૨૦
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કી વચ્ચે છ મહિનામાં બીજી વખત મુલાકાત થઈ છે. ફેબ્રુઆરી મહિનામાં પ્રથમ મુલાકાત દરમિયાન તો ટ્રમ્પે ઝેલેન્સ્કીને રીતસરના તતડાવી નાખ્યા હતા અને લાખો લોકોએ લાઈવ પ્રસારણ જોયુ હતું. સોમવારે વોશિંગ્ટન ખાતે યોજાયેલી બીજી મુલાકાતમાં કોઈ વિવાદ થયો નથી અને બંને દેશના વડાઓ અત્યંત ઉમળકાથી એકબીજાને મળ્યા હતા. ટ્રમ્પ અને ઝેલેન્સ્કી બંનેએ આ મુલાકાતથી રાજીપો વ્યક્ત કર્યો છે, પરંતુ રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ શક્ય બનાવવાનું કામ ઘણું અઘરું છે. ટ્રમ્પ સાથે ઝેલેન્સ્કીની મુલાકાત દરમિયાન યુરોપિયન દેશના નેતાઓ પણ જોડાયા હતા અને યુક્રેનનું મક્કમ સમર્થન કર્યું હતું. બેઠક પૂરી થયા પછી યુરોપના નેતાઓએ પણ ઝેલેન્સ્કીની જેમ ટ્રમ્પનો આભાર માન્યો હતો. ટ્રમ્પે ઝેલેન્સ્કી અને યુરોપના નેતાઓ સાથે મીઠી-મીઠી વાતો જરૂર કરી છે, પરંતુ તેના કારણે રશિયા ઘૂંટણિયે આવી જાય કે પછી યુદ્ધ પૂરું થઈ જાય તેવું માની શકાય નહીં. નાટોના સેક્રેટરી જનરલ માર્ક રુટ્ટે જણાવ્યું હતું કે, તમામ વિગતોને ચકાસવી પડે અને તે માટે કેટલાક મુદ્દા ઉકેલવા જરૂરી છે. યુદ્ધ વિરામના માર્ગમાં અડચણ ઊભી કરી રહેલા મુદ્દામાં મુખ્યત્વે પુતિન અને ઝેલેનસ્કીનું અક્કડ વલણ જવાબદાર છે. રશિયા દ્વારા કોઈ હુમલો થાય તો તેનો જડબાતોડ જવાબ અપાશે તેવી ખાતરી ઝેલેન્સ્કીને જોઈએ છે. રશિયા હુમલો કરે તો નાટોના સભ્ય દેશો એકજૂથ થઈ જવાબ આપે તેવી ઝેલેન્સ્કીની ઈચ્છા છે. તેઓ આ બાબતે ખુલીને બોલ્યા નથી, પરંતુ નાટોમાં જોડાવાની તેમની ઈચ્છા જગજાહેર છે અને ટ્રમ્પ-પુતિન બંને આ બાબત સાથે સંમત નથી. યુક્રેન અને રશિયા વચ્ચે કેટલાક પ્રદેશોની અદલા-બદલી માટે પુતિને તૈયારી દર્શાવી હોવાનું મનાય છે. જો કે ઝેલેન્સ્કીને આ મંજૂર નથી. ટ્રમ્પે યુક્રેનને રક્ષણ પૂરું પાડવા ખાતરી આપી છે. જો કે પોતાનું લશ્કર મોકલવાના બદલે ટ્રમ્પે વાટાઘાટો થકી બચાવવાનો ઈરાદો જાહેર કર્યો છે. ટ્રમ્પ સાથે વાટાઘાટો બાદ યુરોપના નેતાઓની વર્ચ્યુઅલ મીટિંગ યોજાઈ હતી અને તેમાં નક્કી થયેલા મુદ્દાના આધારે યુરોપના નેતાઓ તથા ટ્રમ્પ વચ્ચે વર્ચ્યુઅલ બેઠક રાખવામાં આવશે. આ બેઠકમાં યુક્રેનને રશિયાના હુમલા સામે રક્ષણ આપવાની નક્કર યોજના અને ખાતરી અંગે જ વાત થશે. ટ્રમ્પે પુતિન અને ઝેલેન્સ્કી બંને સાથે વાટાઘાટો કરી છે અને યુક્રેન-રશિયાના પ્રમુખે પોતાની શરતો રજૂ કરી છે. ટ્રમ્પે ઝેલેન્સ્કી અને પુતિન વચ્ચે સીધી વાટાઘાટો શરૂ કરવાની અને ત્યારબાદ ત્રીજા પક્ષ તરીકે અમેરિકાને જોડવાની ખાતરી આપી છે. જો કે પુતિન ટ્રમ્પ સાથે વાત કરવા તૈયાર છે, પરંતુ ઝેલેન્સ્કીને મળવા માગતા નથી. પુતિનની આ ઈચ્છાનો પડઘો પાડતાં તેમના એડવાઈઝર યુરી ઉશકોવે યુદ્ધ વિરામ બાબતે દ્વિપક્ષી કે ત્રિપક્ષી વાટાઘાટો અંગે કોઈ સંકેત આપ્યા ન હતા.