૨૦૨૦માં મહિલાઓ સામેના ગુનાના આશરે ૩.૭૧ લાખ, ૨૦૨૧માં ૪.૨૮ લાખ અને ૨૦૨૨માં આશરે ૪.૪૫ લાખ કેસ નોંધાયા હતાં
New Delhi તા.૨૦
તાજેતરના વર્ષોમાં મહિલાઓ સામેના ગુનામાં ચિંતાજનક વધારો થયો હોવાનું સ્વીકારીને સરકારે લોકસભામાં માહિતી આપી હતી કે ૨૦૨૦થી ૨૦૨૨ દરમિયાન દેશમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓના આશરે ૧૨.૪૫ લાખ કેસ નોંધાયા હતાં. ૨૦૨૦માં મહિલાઓ સામેના ગુનાના આશરે ૩.૭૧ લાખ, ૨૦૨૧માં ૪.૨૮ લાખ અને ૨૦૨૨માં આશરે ૪.૪૫ લાખ કેસ નોંધાયા હતાં. પશ્ચિમ બંગાળના જંગલમહલ જેવા આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં જાતીય હિંસાના કેસોમાં વધારો થવા અંગે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ જૂન મલૈહાના સવાલના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી બંદી સંજય કુમારે એક લેખિત જવાબમાં સ્વીકાર્યું હતું કે તાજેતરના વર્ષોમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં વધારો થયો છે. નેશનલ ક્રાઈમ રેકોડ્ર્સ બ્યુરો ના ડેટા અનુસાર ૨૦૨૦માં મહિલાઓ વિરુદ્ધ ગુનાના ૩,૭૧,૫૦૩ કેસ નોંધાયા હતાં, જે ૨૦૨૧માં વધીને ૪,૨૮,૨૭૮ અને ૨૦૨૨માં વધુ વધી ૪,૪૫,૨૫૬ થયા હતાં. પ્રધાને જણાવ્યું હતું કે મહિલામાં અધિકારો પ્રત્યે વધુ જાગૃતિ, પોલીસ સ્ટેશનોમાં વધારો, સ્ત્રી-પુરુષને એકસમાન ગણવાની અધિકારીઓમાં તાલીમ અને ભૂલ કરનારા અધિકારીઓ સામે કડક કાર્યવાહી જેવા પરિબળોને કારણે વધુને વધુ મહિલાઓ કેસ નોંધાવી રહી છે અને તેનાથી આવા કેસોમાં વધારો થયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ અને જાહેર વ્યવસ્થા રાજ્યોના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે તથા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જાળવણી કરવાની જવાબદારી મુખ્યત્વે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની છે. જોકે કેન્દ્ર તેમને ફોજદારી કાયદાઓમાં સુધારો, ભંડોળ, તાલીમ, ટેકનોલોજીકલ સાધનો મારફત રાજ્યોને સમર્થન આપે છે.