ભારતને અપાતાં ફર્ટિલાઈઝર્સ તથા દુર્લભ ખનીજોનો પુરવઠા પર મુકાયેલા નિયંત્રણો હળવા બનાવવા ચીને સહમતિ દાખવી છે
New Delhi, તા.૨૦
જગત જમાદાર અમેરિકાએ ભારત સહિત વિશ્વના દેશો પર ઝીંકેલા ટેરિફનો વળતો જવાબ આપવા માટે દુનિયાના વિવિધ દેશો પોતાની આગવી રણનીતિ ઘડી રહ્યાં છે. વિશ્વ આખાના અર્થતંત્રમાં ઉથલપાથલ મચાવનારા અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારતના સત્તાવાર પ્રવાસે આવેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા ઉપરાંત સીમા વિવાદના ઉકેલ સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી. વાંગ યીએ વડાપ્રધાન મોદીને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો સંદેશ તથા ચીનના તિયાનજિનમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)નું નિમંત્રણ પાઠવ્યું હતું. વડાપ્રધાન મોદીએ એક્સ પરની એક પોસ્ટમાં ચીનના વિદેશ મંત્રી સાથેની મુલાકાત બાદ જણાવ્યું હતું કે, ભારત અને ચીનના સંબંધોમાં મક્કમ પ્રગતિ થઈ રહી છે. ગયા વર્ષે કઝાનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મારી મુલાકાત બાદ ભારત અને ચીનના સંબંધોમાં એકબીજાના હિત અને લાગણીઓના સન્માનમાં નિરંતર વૃદ્ધિ થઈ છે. ભારત અને ચીન વચ્ચે સ્થિર, વિશ્વસનીય તથા રચનાત્મક સંબંધો પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપશે. વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત અગાઉ ચીનના વિદેશ મંત્રીએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ સાથે સરહદી મામલાઓ મંત્રણા કરી હતી. દોવાલ અને યી વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર શાંતિ અને સ્થિરતા જળવાઈ રહે તેવા પ્રયાસોને પ્રોત્સાહન આપવા સહમતિ સધાઈ હતી. ભારત-ચીન સરહદી ચર્ચાના ૨૪મા રાઉન્ડને સંબોધતા યીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એસસીઓ સમિટમાં ભાગ લેવા માટે ચીન પધારવાના છે. ચીન તેમની આ મુલાકાતને અત્યંત મહત્વપૂર્ણ માને છે. ભારતને અપાતાં ફર્ટિલાઈઝર્સ તથા દુર્લભ ખનીજોનો પુરવઠા પર મુકાયેલા નિયંત્રણો હળવા બનાવવા ચીને સહમતિ દાખવી છે. ભારતની મુલાકાતે આવેલા ચીનના વિદેશ મંત્રીએ, ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર સાથેની મુલાકાત દરમિયાન આ મુદ્દે જાણકારી આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યાં અનુસાર, વાંગ યીએ ફર્ટિલાઈઝર્સ, દુર્લભ ખનીજો તથા ટનલ બોરિંગ મશીન્સ પર મુકેલાં નિયંત્રણો હળવાં બનાવવાની ખાતરી આપી છે.