નિવૃત્ત કર્મચારીઓને છૂટા કરી તેમના સ્થાને અન્ય યુવકોને રોજગારી આપવા માગણી કરવાામાં આવી
Ahmedabad , તા.૨૦
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૮૧૦ જેટલા અધિકારી- કર્મચારીઓને નિવૃત્ત થયા બાદ કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. આ અધિકારી- કર્મચારીઓને માસિક રૂ. ૮૭ લાખ જેટલો પગાર ચુકવવામાં આવતો હતો. આમ, છેલ્લા ૧૦ વર્ષમાં આ કર્મચારી- અધિકારીઓના પગાર પાછળ જ રૂ. ૧૦ કરોડ જેટલી રક્મ ખર્ચ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જેથી હાલમાં કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટરથી ફરજ બજાવતા નિવૃત્ત અધિકારી- કર્મચારીઓને તાત્કાલિક છૂટા કરી યુવકોને રોજગારી આપવા માગ ઉઠી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિવૃત્ત થયેલા અધિકારીઓ- કર્મચારીઓને ફરીથી નોકરીએ લેવામાં આવી રહ્યા હોવાથી અનેક યુવાનો રોજગારીથી વંચિત રહ્યા છે. શહેર કોંગ્રેસના માઇનોરીટી સેલના વર્કિંગ પ્રમુખ અતિક સૈયદે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુ.કોર્પોરેશનમાં જે અધિકારીઓ- કર્મચારીઓ ફરજ ઉપરથી મુક્ત થઈ નિવૃત થયા પછી છસ્ઝ્ર દ્વારા કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી પર રાખવામાં આવે છે. જેના પગલે જે યુવકો ભણેલા છે તેમને ખાલી જગ્યાઓ પર નોકરી મળતી નથી. જેથી કરાર આધારિત ૧૧ માસની કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી નિવૃત્ત અધિકારી- કર્મચારીઓને છૂટા કરી મહેકમ પ્રમાણે ખાલી જગ્યા ભરવા માટે માંગણી કરી છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા ૧૦ વર્ષમાં કુલ ૮૧૦ જેટલા નિવૃત્ત અધિકારીઓ- કર્મચારીઓને ફરીથી ફરજ ઉપર કોન્ટ્રાકટ બેઝ ઉપર લેવામાં આવ્યા છે, તેમજ આ તમામ કર્મચારીઓને મળી મહિને રૂ. ૮૭ લાખથી વધુની રકમ પગાર પેટે ચુકવવામાં આવી છે. આમ, આ નિવૃત અધિકારીઓ- કર્મચારીઓને છેલ્લા ૧૦ વર્ષમાં કુલ રૂ. ૧૦ કરોડથી વધુની રકમ પગાર પેટે ચૂકવવામાં આવી છે. એક બાજુ રાજ્ય સરકાર દ્વારા ૫૦ વર્ષથી વધુ ઉમર ધરાવતા અધિકારીઓ- કર્મચારીઓ ફરજ બજાવવા માટે શારીરિક કે માનસિક રીતે યોગ્ય ન હોય કે કામ કરી શકતા ન હોય તેવા અધિકારીઓ- કર્મચારીઓને સમય મર્યાદા પહેલા નિવૃતિ આપી રહી છે. જ્યારે કોર્પોરેશનમાં તેનાથી વિપરીત સ્થિતી છે અને અહીં નિવૃત્ત થયેલા અધિકારી- કર્મચારીઓને કોન્ટ્રાક્ટર પર ફરજ સોંપવામાં આવી રહી છે. આમ, કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટ પ્રથા ચાલુ કરીને નિવૃત્ત અધિકારીઓને ફિક્સ પગાર આપવામાં આવે છે અને અગાઉની નોકરી પૂર્ણ કર્યાનું પેન્શન પણ તેમને મળી રહ્યું છે. છેલ્લા ૧૦ વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમામ વિભાગોમાં અલગ અલગ હોદ્દા ઉપર રહેલા અધિકારીઓને ફરીથી એક જગ્યા ઉપર અથવા મૂળ વિભાગમાં જ ફરીથી નોકરીએ લેવામાં આવેલા છે. સૌથી વધારે સિનિયર અને હેડ ક્લાર્કને ફરીથી નોકરીએ રાખવામાં આવેલા છે. પટાવાળા, ગાર્ડન સુપરવાઇઝર, આસિસ્ટન્ટ મેનેજર, હાઉસિંગ સેલ, ઇજનેર વિભાગ એસ્ટેટ અને ટીડીઓ વિભાગમાં પણ નિવૃત્તિ બાદ પણ કોન્ટ્રાક્ટ પર ફરીથી અધિકારીઓને કર્મચારીઓને નોકરી પર લેવાયા છે. કોર્પોરેશનમાં અમુક અધિકારીઓ તો નિવૃત્ત થયા બાદ વર્ષો સુધી કોન્ટ્રાક્ટર પર ફરજ બજાવી ચુક્યા હોવાની વિગતો પણ સામે આવી છે. જેમાં કિન્નરી મહેતા ૮ વર્ષ, ગુલામનબી શેખ ૯ વર્ષ, અમરીશ જાની ૪ વર્ષ અને સી.આર. ખરસાણ ૨ વર્ષ સુધી કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવી ચુક્યા હોવાનો આક્ષેપ પણ કરાયો છે.