Mumbai,તા.21
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ દક્ષિણ આફ્રિકાના ઑફ સ્પિનર પ્રેનેલન સુબ્રાયેન વિરૂદ્ધ સંદિગ્ધ બોલિંગ એક્શનની નોંધ લેવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પહેલી વનડે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન પ્રેનેલન સુબ્રાયેનની બોલિંગની માન્યતા મુદ્દે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. જેની કાયદેસરતા ચકાસવામાં આવી રહી છે.
સુબ્રાયેને મંગળવારે ઓસ્ટ્રેલિયા સામે પોતાની પ્રથમ વનડે મેચમાં 46 રન પર એક વિકેટ ઝડપી હતી. દક્ષિણ આફ્રિકાએ આ મેચમાં 98 રનથી જીત હાંસલ કરી હતી. જો કે, સુબ્રાયેનની બોલિંગ એક્શન વિવાદમાં આવી હતી. નિયમ અનુસાર, બોલર બોલિંગ કરતી વખતે પોતાની કોણીનો ભાગ 15 ડિગ્રી સુધી વાળી શકે છે. પરંતુ સુબ્રાયેનની બોલિંગ એક્શનમાં શંકાસ્પદ જણાતાં તેની નોંધ લેવામાં આવી છે.31 વર્ષીય સુબ્રાયેન પાસે આઈસીસીની માન્યતા પ્રાપ્ત ટેસ્ટિંગ લેબમાં પોતાના બોલિંગ એક્શનનું સ્વતંત્ર મૂલ્યાંકન કરવા માટે 14 દિવસ સુધીનો સમય છે. તપાસનો રિપોર્ટ આવે ત્યાં સુધી સુબ્રાયેનને બોલિંગ કરવાની પરવાનગી આપવામાં આવી છે. ક્રિકેટ જગતમાં સુબ્રાયેન અગાઉ પણ અનેક વખત આ પ્રકારની તપાસનો સામનો કર્યો છે. અગાઉ પણ 2012માં બે અલગ અલગ કેસમાં દક્ષિણ આફ્રિકાના બોલરની બોલિંગને ગેરકાયદે જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ 2013માં સુધારાત્મક કાર્યવાહી હાથ ધરી બોલિંગ કરવાની મંજૂરી મળી હતી. તેની બોલિંગ એક્શનનું અગાઉ બે વખત ટેસ્ટિંગ થયુ હતું. 2014માં ભારતમાં ચેમ્પિયન્સ લીગ ટી20 ટૂર્નામેન્ટ દરમિયાન અને બાદમાં 2015માં એક સ્થાનિક ટી20 ટૂર્નામેન્ટમાં તેનો બોલિંગ એક્શન રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. 2016ની શરૂઆતમાં તેની બોલિંગ એક્શન પુનઃમૂલ્યાંકનમાં નિષ્ફળ રહી હતી. જો કે, દક્ષિણ આફ્રિકાના હાઈ પર્ફોમન્સ સેન્ટર તરફથી મંજૂરી મળતાં તેને બોલિંગ કરવા મંજૂરી આપવામાં આવી હતી.
ઑફ-સ્પિનર તરીકે તેની બોલિંગમાં હાથની આંગળીઓનો ઉપયોગ કરીને બોલ પર સ્પિન આપે છે. જેથી રોટેશન મળે. તે સ્પિનિંગ કરતી વખતે પોતાની કોણીનો ભાગ નિયમ કરતાં (15 ડિગ્રી) વધુ વાળતો હોવાની શંકા સર્જાય છે. જો કે, તેની બોલિંગ ટેક્નિકની કોઈ ચોક્કસ વિગતો નથી.