Washington,તા.22
દક્ષિણ અમેરિકાનાં ડ્રેક જળમાર્ગમાં આજે સવારે 8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા ભયનો માહોલ સર્જાયો હતો. તત્કાળ સુનામી એલર્ટ જારી કરવામાં આવ્યું હતું જે પછી પાછુ ખેંચી લેવામાં આવ્યું હતું.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા ભૂકંપની તીવ્રતા 7.4 ની રહ્યાનું જાહેર કરવામાં આવ્યું હતું. 36 કિલોમીટરની ઉંડાઈએ આ આંચકો હતો.અમેરીકી એજન્સીઓના રીપોર્ટ મુજબ આંચકાની તીવ્રતા આઠની હતી.
ભૂકંપ અનુભવાયો તે ડ્રેક જળમાર્ગ દક્ષિણ અમેરીકાના હોર્ન અંતરીય અને એન્ટાર્ટીકાનાં દક્ષિણ શેટલેન્ડ ટાપુ વચ્ચેનો સમુદ્રી ભાગ છે. આ ક્ષેત્ર પૂર્વમાં એટલાંટીક મહાસાગરને પશ્ચિમમાં પ્રશાંત મહાસાગર સાથે જોડે છે ટ્રેક જળમાર્ગનો વિસ્તાર 800 કિલોમીટરનો છે.
ભૂકંપનાં આંચકા બાદ અમેરીકી સુનામી ચેતવણી કેન્દ્ર સરકાર દ્વારા જારી કરી દીધી હતી. ભુકંપની ઉંડાઈ 10.8 કિલોમીટર રહ્યાનુ જાહેર થતા ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી હતી. આ ઉપરાંત ભૂકંપની તીવ્રતા પણ 7.5ની રહ્યાનુ જાહેર કરવામાં આવ્યુ હતું.
એજન્સીના રિપોર્ટ મુજબ ભૂકંપના ત્રણ કલાક બાદ મુખ્યત્વે ચિલીના સમુદ્રકાંઠે ખતરનાક મોજા ઉછળવાની શંકા દર્શાવવામાં આવી હતી. દક્ષિણ અમેરિકન ક્ષેત્રમાં ભૂકંપને પગલે પ્રારંભીક સમયમાં લોકોમાં ભય ફેલાયો હતો.
જો કે, તેનાથી જાનમાલને કોઈ નુકશાની ન થતા હાશકારો અનુભવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પૃથ્વીના પેટાળમાં સતત ફરતી સાત ટેકટોનિક પ્લેટો એકબીજા સાથે ઘસાઈ, ટકરાઈ કે એકબીજાથી દુર થાય ત્યારે ધરતી ધણધણે છે.

