Rajkotતા.22
રાજય સરકારના રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા રાજયમાં ગણપતિ મહોત્સવ દરમિયાન શ્રેેષ્ઠ ગણેશ પંડાલ સ્પર્ધા પ્રતિયોગીતા-2025નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટના ગણેશ પંડાલ આયોજકો ભાગ લઈ શકશે.
તેમજ મેજર ધ્યાનચંદના જન્મદિવસ નેશનલ સ્પોર્ટસ ડે નિમિતે રાજકોટ જિલ્લામાં ત્રણ દિવસ સુધી વિવિધ સ્પોર્ટસ ઈવેન્ટ યોજવામાં આવેલ છે. તેમ જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે જણાવ્યું હતું.
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદને સંબોધતા કલેક્ટરએ કહ્યું હતું કે, આ પ્રતિયોગિતા માટે આઠ માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં મંડપ શણગાર, સામાજિક સંદેશ, ઈકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની પસંદગી, ઓપરેશન સિંદૂર – દેશભક્તિ, સ્વદેશી વસ્તુઓ અપનાવો જેવી થીમ, પંડાલ સ્થળની પસંદગી, સામાજિક સંદેશ વગેરે બાબતો ધ્યાનમાં લેવામાં આવશે. સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતાને રૂ। (પાંચ) લાખ, દ્વિતીય ક્રમે વિજેતાને રૂ। લાખ તથા તૃતીય ક્રમના વિજેતાને રૂ. 1.50 લાખના પુસ્કાર આપવામાં આવશે.
સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા ગણેશ પંડાલના આયોજકો રાજકોટ મહાનગર પાલિકાની ત્રણ ઝોનલ ઓફિસ ખાતેથી, તા. 22થી 26 ઓગસ્ટ દરમિયાન કામકાજના દિવસો દરમિયાન નીચેના સ્થળેથી ફોર્મ મેળવી શકશે.
(1) સાંસ્કૃતિક વિકાસ વિભાગ, રાજકોટ મહાનગર પાલિકા, સેન્ટ્રલ ઝોન ઓફિસ, ડો. આંબેડકર ભવન, ત્રીજો માળ, રૂમ નં.-5, રાજકોટ
(2) વેરા વસૂલાત વિભાગ, રાજકોટ મહાનગર પાલિકા, વેસ્ટ ઝોન ઓફિસ,હરિસિંહજી ગોહિલ ભવન, બિગ બજારની પાછળ, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ.
(3) વેરા વસૂલાત વિભાગ, રાજકોટ મહાનગર પાલિકા, ઈસ્ટ ઝોન ઓફિસ, ઝવેરચંદ મેઘાણી ભવન, ભાવનગર રોડ, રાજકોટ. તેમણે ગણેશ પંડાલ આયોજકોને આ સ્પર્ધામાં ભાગ લેવા અપીલ કરી હતી.
જિલ્લા કલેક્ટરએ અન્ય જાહેરાત કરતા જણાવ્યું હતું કે, મેજર ધ્યાનચંદજીના જન્મ દિવસ – 29 ઓગસ્ટની ‘નેશનલ સ્પોર્ટસ્ ડે’ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ નિમિત્તે રાજકોટ શહેર-જિલ્લામાં 29થી 31 ઓગસ્ટ સુધી વિવિધ સ્પોર્ટસ્ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.28મી ઓગસ્ટે પ્રિ-ઈવેન્ટ સેલિબ્રેશન થશે. જેમાં રાજકોટના રેસકોર્સ રિંગરોડ પરના બહુમાળી ભવનથી લઈને બાલવાટિકા સુધી ડી.એલ.એસ.એસ.ના 300 વિદ્યાર્થીઓ , પોલીસ બેન્ડ, એન.સી.સી. કેડેટ્સ તથા શાળાના છાત્રો દ્વારા પ્રિ-ઈવેન્ટ રેલી યોજવામાં આવશે.
તા.29મી ઓગસ્ટે, ‘ફીટ ઈન્ડિયા’ના શપથ લેવામાં આવશે અને રાજકોટમાં મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ-રેસકોર્સ ખાતે હોકીની ચાર મેચ યોજવામાં આવશે. જેમાં ચાર ટીમના 44 સભ્યો ભાગ લેશે.
દરેક શાળામાં પણ ખેલ-કૂદની સ્પર્ધા સહિતની પ્રવૃત્તિઓ થશે. રાજકોટ મહાનગરની 934 શાળાઓ તથા જિલ્લાની અન્ય 1682 શાળાઓ મળીને કુલ 2616 શાળાઓના છાત્રો રમત-ગમતની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ જૂડો સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેમાં 250 કોલેજીયનો ભાગ લેશે. મારવાડી તથા આર.કે. યુનિ. દ્વારા પણ વિવિધ સ્પોર્ટસ એક્ટિવિટી થશે.
તા. 29મી ઓગસ્ટે ખેલ મહાકુંભના રજિસ્ટ્રેશનની શરૂઆત થશે. જેમાં શહેરીજનો, જિલ્લાના નાગરિકો જાતે રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઉપરાંત શાળા, કોલેજ, યુનિવર્સિટી દ્વારા પણ રજિસ્ટ્રેશન કરવામાં આવશે. આ ખેલ મહાકુંભમાં ભાગ લેવા તેમણે નાગરિકોને અપીલ કરી હતી.
તા. 30મી ઓગસ્ટે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વોલીબોલ, રસ્સા ખેંચની સ્પર્ધા રાખવામાં આવશે. જેમાં પોલીસ વિભાગ, કોર્પોરેશન વિભાગ, જિલ્લા પંચાયત તથા કલેક્ટર કચેરીની પુરુષ ટીમ અને મહિલા ટીમ એમ ચાર-ચાર ટીમો વચ્ચે સ્પર્ધા થશે.
તા. 31મી ઓગસ્ટે ‘ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ’ અને ‘મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અન્વયે રાજકોટ મહાનગર તથા નગરપાલિકા કક્ષાએ ‘સાયકલ ઓન સન્ડે’નું આયોજન કરવામા આવ્યું છે.
મહાનગર પાલિકા વિસ્તારના બહુમાળી ભવન ખાતેથી રેસકોર્સ રિંગરોડ ફરતે સાઇક્લોથોનનું આયોજન કરવામાં આવશે. જ્યારે છ નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત 500થી વધુ લોકો ‘સાયકલ ઓન સન્ડે’માં ભાગ લેશે.
આ તકે રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર તુષાર સુમેરા, ટ્રાફિક ડી.સી.પી. સુશ્રી પુજા યાદવ,નિવાસી અધિક કલેક્ટર એ. કે. ગૌતમ, જિલ્લા રમત વિકાસ અધિકારી સુશ્રી રમા મદ્રા ઉપસ્થિત રહ્યા હતા.