Rajkot તા.21
રાજકોટના હિરાસર સ્થિત ઈન્ટરનેશનલ એરપોર્ટમાં સૌ પ્રથમવાર અતિ આધુનિક એઆઈ આધારિત હેલ્થ લોન્જ શરૂ કરવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને સિનર્જી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના સહયોગથી રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટમાં (એઆઈ-બેઈઝ આધારિત) હેલ્થ લોન્જ શરૂ કરવામાં આવી છે.
આ અતિ આધુનિક હેલ્થ લોન્જમાં રીઅલ ટાઈમ ઈલેકટ્રોનિક મેડીકલ રેકોર્ડ (ઈએમઆર) શેરિંગ સુવિધા ઉપલબ્ધ છે. ઘણી વખત ફલાઈટમાં મેડીકલ ઈમરજન્સી સમયે મુસાફરને તાત્કાલીક સુવિધા મળી શકશે. આ ઉપરાંત ફલાઈટનો ટર્મિનલમાં ઈંતઝાર કરતા પ્રવાસીઓ આરોગ્યલક્ષી તપાસ કરાવી શકશે.
આ હેલ્થ લોન્જમાં બ્લડ પ્રેશર, ઈસીજી, ડાયાબીટીસ, એનીમીયા, કાર્ડિયાક, પલ્મોનરી ફંકશન સહિત 100 વધુ રોગોની તપાસ સાથે તુરત જ રિપોર્ટ મેળવી જાય તેવી સુવિધા ઉપલબ્ધ છે.
તમામ રિપોર્ટ શેરિંગની સુવિધા સાથે વિડીયો કોન્ફરન્સથી તબીબોની સલાહ પછી મેળવી શકશે. હેલ્થ લોન્જમાં અતિ આધુનિક માન્ય કિલનિકલ સાધનો, ઓટોમેટેડ ઈએમઆર સીસ્ટમ સાથે 100થી વધુ આરોગ્યલક્ષી રોગોની તપાસ થઈ શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી રાજકોટના એરપોર્ટમાં હેલ્થ માટે ખાનગી એમ્બ્યુલન્સ તૈનાત રહેતી હતી. હવે એરપોર્ટમાં જ હેલ્થ લોન્જ શરૂ થતાં ઈમરજન્સી વેળાએ મુસાફરને તાત્કાલીક સારવાર મળી શકશે.
અમદાવાદ એરપોર્ટમાં એક વર્ષથી આ પ્રકારની હેલ્થ લોન્જ શરૂ છે. સૌરાષ્ટ્રના રાજકોટ એરપોર્ટમાં આ પ્રકારની પ્રથમ વખત હેલ્થ લોન્જ કાર્યરત થઈ છે. પ્રવાસી ઈચ્છે તો આરોગ્ય ચેકઅપ પણ કરાવી શકે છે.

