અંગોલામાં ચીનીઓને શોધી-શોધીને મારી રહ્યા છે લોકો, જીવ બચાવવા માટે હજારો લોકો દેશ છોડી ભાગ્યા
African , તા.૨૩
આફ્રિકન દેશ અંગોલામાં મોટા પાયે અશાંતિ ચાલી રહી છે. અહીંના સ્થાનિક ટેક્સી ડ્રાઈવરોએ ઇંધણના વધતા ભાવો સામે વિરોધ કર્યો હતો, જે હવે હિંસક તેમજ ચીન વિરોધી બની ગયો છે. આ વિરોધ એટલા મોટા પાયે છે કે દેશના રાજકીય અને આર્થિક પાયા હચમચી ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોટી સંખ્યામાં ચીની લોકોને સ્થળાંતર કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. કારણ કે હિંસક વિરોધીઓ તેમના અડ્ડાઓ પર હુમલો કરી રહ્યા છે.
હિંસા દરમિયાન ૯૦ થી વધુ છૂટક દુકાનોને નુકસાન થયું હતું અને ચીની લોકો દ્વારા ચલાવવામાં આવતી ઘણી ફેક્ટરીઓ બંધ કરવી પડી હતી. આ દરમિયાન, ઓછામાં ઓછા ૫ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૧૨૦૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હિંસાના ડરથી હજારો ચીની નાગરિકો દેશ છોડીને ચાલ્યા ગયા હતા, જેના કારણે ફ્લાઇટ્સમાં ભારે ભીડ થઈ હતી અને ચીની દૂતાવાસે દ્વારા ઈમરજન્સી ચેતવણી જાહેર કરવામાં આવી હતી.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વિરોધ ફક્ત આર્થિક નથી, પરંતુ તે અંગોલામાં ચીનની વધતી ભૂમિકા અને દેશમાં વધતી જતી અસમાનતા સામે ઊંડો રોષ પણ દર્શાવે છે. ચીનની હાજરીથી સ્થાનિક લોકોમાં અસંતોષ ફેલાયો છે, કારણ કે ચીની રોકાણે માળખાગત સુવિધાઓથી લઈને છૂટક વેપાર અને ઉત્પાદન સુધીના ક્ષેત્રોને ઘેરી લીધા છે.
અહેવાલમાં અંગોલાના ચેમ્બર ઓફ કોમર્સ, ઇકોડિમાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સાત મુખ્ય ચીની છૂટક દુકાનો લૂંટાઈ ગઈ હતી અને એક ચીની બ્રાન્ડના ૭૨ વેચાણ એકમો પર હુમલો કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ચીની દુકાનદારો દુકાનોમાં પોતાને બંધ કરીને રાખેલા જોવા મળ્યા હતા, જ્યારે ટોળા બહાર લૂંટ અને તોડફોડ કરી રહ્યા હતા. ઔદ્યોગિક વિસ્તારોમાં ચીની ફેક્ટરીઓ તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી. સુરક્ષા કારણોસર કર્મચારીઓને ભાગી જવું પડ્યું હતું.
રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાષ્ટ્રપતિ જોઆઓ લોરેન્સોની સરકાર આ કટોકટીને નિયંત્રિત કરવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. સરકારે હિંસાની નિંદા કરી છે, પરંતુ ઇંધણના ભાવ વધારા અને સામાન્ય લોકોના દુઃખ પ્રત્યે ઉદાસીનતા અંગેની તેની નીતિની પણ ટીકા કરવામાં આવી રહી છે. કાર્યકરો કહે છે કે સસ્તું પરિવહન અને મૂળભૂત સેવાઓ પૂરી પાડવામાં સરકારની નિષ્ફળતા આ વ્યાપક અસંતોષનું મુખ્ય કારણ છે.