કુલ ૨.૫ કરોડથી વધારે લોકો કોઈને કોઈ કામધંધામાં લાગેલા છે : તેમાંથી સૌથી મોટો ભાગ સર્વિસ સેક્ટરનો
Islamabad, તા.૨૩
પૂર, ભૂખમરો અને આર્થિક તંગીથી ઝઝૂમી રહેલા પાડોશી દેશ પાકિસ્તાને એક નવો સર્વે કરાવ્યો છે. આ અગાઉ ઇકોનોમિક સર્વેમાં જે સામે આવ્યું છે, તેને જાણશો તો ચોંકી જશો. આખા દેશમાં ફેક્ટરીઓથી વધારે મસ્જિદો છે. પાકિસ્તાનમાં જ્યાં ૬,૦૦,૦૦૦થી વધારે મસ્જિદો છે, ત્યાં ફેક્ટરીની ગણતરી માંડ ૨૩,૦૦૦ સુધી પહોંચી શકી છે. મતલબ કે રોજગાર આપનારા કારખાના દેશમાં ખૂબ જ ઓછા છે અને અસલી ભાર તો સર્વિસ સેક્ટર ઉઠાવે છે.
રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં કુલ ૨.૫ કરોડથી વધારે લોકો કોઈને કોઈ કામધંધામાં લાગેલા છે. તેમાંથી સૌથી મોટો ભાગ એટલે કે ૪૫ ટકા સર્વિસ સેક્ટરનો છે. દુકાનો, હોટલ, બેન્કો, હોસ્પિટલ અને ટ્રાન્સપોર્ટ જેવી જગ્યા પર લગભગ ૧.૧૩ કરોડ લોકો કામ કરે છે. તેની તુલનાએ પ્રોડક્શન સેક્ટર, એટલે કે ઇન્ડસ્ટ્રી, ખાલી ૨૨ ટકા લોકોને રોજગાર આપે છે. સ્પષ્ટ છે કે જે ઇન્ડસ્ટ્રીને પાકિસ્તાનનું ભવિષ્ય કહેવાય છે, ત્યાં નોકરીની ખૂબ જ ખરાબ હાલત છે.
જો રાજ્યોની વાત કરીએ તો પંજાબ સૌથી આગળ છે, અહીં લગભગ ૧.૩૬ કરોડ લોકો રોજગારમાં લાગેલા છે. ત્યાર બાદ સિંધમાં ૫૭ લાખ, ખૈબર પખ્તૂનખ્વામાં ૪૦ લાખ અને બલૂચિસ્તાનમાં ખાલી ૧૪ લાખ લોકો કામ કરી રહ્યા છે. એટલે કે પંજાબ પાકિસ્તાનની અસલી રોજગાર ફેક્ટરી છે. જ્યારે બલૂચિસ્તાન પછાત છે.
આ રિપોર્ટમાં બીજી એક વાત સામે આવી છે. પાકિસ્તાન નાના નાના ધંધા પર ટકેલું છે. કુલ ૭૧ લાખ વેપારી યુનિટ્સ એવા છે, જ્યાં ૫૦થી ઓછા લોકો કામ કરે છે. મોટી કંપનીઓ, જે ૨૫૦થી વધારે લોકોને રોજગાર આપે છે, તેની સંખ્યા ખાલી સાત હજાર છે. એટલે કે દેશની અર્થવ્યવસ્થા હજુ સુધી નાના ધંધા અને રોજિંદા વેપાર ટકેલી છે.
સર્વેએ મસ્જિદો, મદરેસા અને હોસ્પિટલોની પણ ગણતરી કરી છે. પાકિસ્તાનમાં છ લાખ મસ્જિદ, ૩૬ હજાર મદરેસા, ૧.૧૯ લાખ હોસ્પિટલ અને અઢી લાખથી વધારે સ્કૂલ છે. યુનિવર્સિટીઝની સંખ્યા ૨૧૪ હોવાનું કહેવાય છે. તાલીમ અને સારવારની ઇમારતો ભલે હોય પણ ફેક્ટરીની સંખ્યા તેની તુલનામાં ખૂબ જ ઓછી છે.
એક રસપ્રદ વાત એવી પણ છે કે ખાલી કંપનીઓ જ નહીં પણ ઘરમાં પણ લોકો વેપાર ચલાવી રહ્યા છે.
લગભગ ૫૬ લાખ ઘર કોઈને કોઈ પ્રકારની આર્થિક ગતિવિધિમાં સામેલ છે. તેમાં સૌથી વધારે લોકો અડધાથી વધારે પરિવાર પશુપાલન કરે છે. બાકીના લોકો દરજીકામ, ભરતકામ, મરઘાપાલન, ફૂડ પેકિંગ, બ્યૂટી પાર્લર અને ઓનલાઈન કામોમાં જોડાયેલા છે.