તસ્કરોની ચાંડાળ ચોકડી નંબર પ્લેટ વગરની સ્કોર્પિયોમા વહેલી સવારે ચારેક વાગ્યે ત્રાટકી
સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ : બનાવને પગલે આજીડેમ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી દ્વારા તપાસનો ધમધમાટ
Rajkot,તા.23
શહેરની ભાગોળે આવેલ આજીડેમ ચોકડી નજીક મોબાઈલ શો રૂમમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. મોબાઇલના શો રૂમમાં વહેલી સવારે નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કારમાં ત્રાટકેલા ચાર તસ્કરો પાંચથી છ લાખના નવા અને ડેમોના મોબાઇલ ફોન ઉઠાવી ગયા હતા. બનાવને પગલે આજીડેમ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ચોરીની ઘટનામાં પ્રાપ્ત વિગત અનુસાર આજીડેમ ચોકડી નજીક રવિવારી બજારની સામે ગુજરાત ટ્રાવેલ્સ અને બાલાજી રેસ્ટોરન્ટની બાજુમાં આદિત્યભાઈ પેઢડીયા અને ભૌતિકભાઈ લીંબાસીયાની માલિકીનો મેહુલ ટેલીકોમ નામનો શો રૂમ આવેલો છે. આ બ્રાંચ ભૌતિકભાઇ લીંબાસીયા સંભાળે છે. સવારે તેઓ નિત્યક્રમ મુજબ દૂકાને આવવાની તૈયારીમાં હતાં ત્યારે જાણ થઇ હતી કે દૂકાનમાં ચોરી થઇ છે. જેથી બંને ભાગીદારે દૂકાને પહોંચી તપાસ કરતાં તસ્કરો શટર તોડી અંદર ઘુસી નવા તેમજ ડેમોના મોબાઇલ ફોન આશરે પાંચથી છ લાખના ચોરી ગયાનું જણાયું હતું.
બનાવની જાણ આજીડેમ પોલીસને જાણ કરવામાં આવતાં તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. ક્રાઇમ બ્રાંચ અને એલસીબીની ટીમો પણ તપાસમાં સામેલ થઇ હતી. શો રૂમ માલીકના જણાવ્યા અનુસાર ચારેક તસ્કરો વહેલી સવારે ચાર વાગ્યે સ્કોર્પિયો ગાડી લઇને આવ્યા હતાં અને તેમાં નંબર પ્લેટ નહોતી. એક તસ્કર ગાડીમાં બેઠો રહ્યો હતો. બાકીના ત્રણ વારાફરતી શટર પાસે આવી તાળા તોડતાં હતાં. બાદમાં અંદર ઘુસી અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન ચોરી ગયા હતાં. જેની કિમત પાંચથી છ લાખ જેવી થાય છે.
આ તસ્કરો ચોરી કર્યા બાદ નંબર વગરની સ્કોર્પિયોમાં રાજકોટ અમદાવાદ તરફ ભાગ્યાની શક્યતાએ પોલીસ સીસીટીવી કેમેરાને આધારે પગેરૂ શોધવા તપાસ કરી રહી છે. ચોરીના આ બનાવને પગલે ડોગ સ્ક્વોડ, ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતોને પણ બોલાવવામાં આવ્યા હતાં.