પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Rajkot,તા.19
અટલ સ્માર્ટ સીટીના ફૂટપાથ અને સાયકલ ટ્રેક પર વાહનો ચલાવવા કે પાર્ક કરવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લી. દ્વારા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રૈયા ટી.પી.-૩૨ ના આશરે ૯૩૦ એકરના વિશાળ વિસ્તારમાં વિકસાવવામાં આવેલ ‘અટલ સ્માર્ટ સિટી’માં હવેથી આડેધડ વાહનો ચલાવનારા અને પાર્કિંગ કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અટલ સ્માર્ટ સિટી વિસ્તારમાં અત્યાધુનિક રોડ નેટવર્ક, બીઆરટીએસ કોરિડોર, બસ સ્ટોપ, સ્માર્ટ સ્ટ્રીટ લાઇટિંગની સાથે સાથે નાગરિકોની સુવિધાર્થે ખાસ ફૂટપાથ અને સાયકલ ટ્રેકનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ફૂટપાથ અને સાયકલ ટ્રેક પર ટૂ-વ્હીલર, ફોર-વ્હીલર તેમજ ભારે વાહનોનું બિન-અધિકૃત પાર્કિંગ અને ચાલકો દ્વારા વાહનોની અવર-જવર થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી.
આ સ્થિતિને ગંભીરતાથી લઈને રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ અટલ સ્માર્ટ સિટીના સમગ્ર વિસ્તારમાં આવેલા તમામ ફૂટપાથ અને સાયકલ ટ્રેક પર કોઈપણ પ્રકારના વાહનો ચલાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે તથા આ સમગ્ર ટ્રેકને ‘નો-પાર્કિંગ ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે.
હુકમનો ભંગ કરનાર કે ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, આકસ્મિક સંજોગોમાં ફરજ પરના પોલીસ વાહનો, એમ્બ્યુલન્સ, શબવાહિની, ફાયર બ્રિગેડ અને સરકારી વાહનોને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અટલ સરોવર આસપાસનો વિસ્તાર રીલ્સ માટે સ્ટંટબાજી કરનારોની પસંદગીનો વિસ્તાર બની રહ્યો હતો. અહીં જાહેરમાં ડીજે પાર્ટી, બર્થડે પાર્ટી પણ મનાવામાં આવતી જેને લઇ ન્યુસન્સ વધી રહ્યું હતું.

