New Delhi,તા.25
કેશલેસ પોલિસી પર વીમા કંપનીઓ અને હોસ્પિટલો વચ્ચે વિવાદ વધતો જાય છે. દેશભરની 15 હજારથી વધુ ખાનગી હોસ્પિટલોએ બે વીમા કંપનીઓની કેશલેસ સુવિધા એક સપ્ટેમ્બરથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ કંપનીઓમાં બજાજ આલીયાજ અને કેર હેલ્થ સામેલ છે.
હોસ્પિટલોનાં સંગઠન એસોસીએશન ઓફ હેલ્થ પ્રોવાઈડર્સ ઈન્ડિયા (એએચપીઆઈ)એ આ જાણકારી આપી છે. તેમનુ કહેવુ છે કે સંબંધિત વિમા કંપનીઓએ સારવારના ખર્ચના દરોની સીમાને બદલી નથી જયારે સારવાર ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે.
આટલુ જ નહિં પેમેન્ટમાં કંપનીઓ દ્વારા બિનજરૂરી વિલંબ કરવામાં આવે છે અને બિનજરૂરી પેપર માગવામાં આવે છે. આથી પોલિસી સાથે જોડાયેલ પેમેન્ટમાં તમામ મુશ્કેલીઓ આવી રહી છે. જેનાથી દર્દીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
એએચપીઆઈના આહવાન પર દેશભરની લગભગ 10 હજાર હોસ્પિટલોએ એક સપ્ટેમ્બરથી કેશલેસ સારવાર દેવાનો ઈન્કાર કર્યો છે. બીજી બાજુ એએચપીઆઈએ કેર હેલ્થને નોટીસ પણ પાઠવી છે કે તે દર્દીઓના કેશલેસ બિલ પેમેન્ટ સાથે જોડાયેલ સમસ્યાઓ પર ચર્ચા કરે, અન્યથા 1 સપ્ટેમ્બરથી કેશલેસ સારવારની સુવિધા બંધ કરવામાં આવશે.
આ મામલે બજાજ આલીયાજે આશ્ર્ચર્ય વ્યકત કરતા જણાવ્યું હતું કે તે ગ્રાહકોને બહેતર સુવિધા આપવા અને હોસ્પિટલો સાથે મળીને મુદ્દાને હલ કરવાની કોશીશ કરશે. કંપનીએ ભરોસો આપ્યો હતો કે તે એએચપીએફ સાથે મળીને ઉકેલ કાઢશે.
એએચપીઆઈના જનરલ ડિરેકટર ડો.ગિરધર તાનીએ જણાવ્યું હતું કે બન્ને કંપનીઓ કારણ વિના સારવાર ખર્ચ સાથે જોડાયેલા બિલોમાં કપાત કરી રહી છે. દર્દીનાં ડિસ્ચાર્જ થવાના 6 થી 7 કલાક બાદ બિલ મંજુર થાય છે. આ મુદ્દે બન્ને કંપનીનાં પ્રતિનિધિઓ સાથે બેઠક નકકી થઈ છે. સમાધાન નહિં નીકળે તો તેમની કેશલેસ સુવિધા બંધ કરી દેવામાં આવશે.