Moti Paneli, તા.25
ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘકૃપા યથાવત રહેવા પામી છે અને રાજયમાં 225 તાલુકાઓમાં 0.5થી 5 ઇંચ સુધીનો વરસાદ છેલ્લા 24 કલાક દરમ્યાન પડવા પામ્યો છે.
પોરબંદરનાં બરડા પંથકમાં 5, મોટી પાનેલીમાં 5, છોટા ઉદેપુરનાં સંખેડામાં 4, સુરતનાં ઉમરપાડામાં 4, તાપીમાં વ્યારામાં પોણા ચાર, વડોદરાના ડભોઇમાં 3.5, બનાસકાંઠાના દાંતામાં સવા ત્રણ ઇંચ તેમજ મોરબીનાં માળીયામાં પોણા ત્રણ, રાજકોટનાં જામકંડોરણામાં 2.5, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પણ 2.5 ઇંચ, મોરબીનાં ટંકારામાં સવા બે ઇંચ, મોરબી શહેરમાં 2, દ્વારકાનાં ભાણવડમાં પોણા બે, સુરેન્દ્રનગરનાં દસાડામાં 1.5, રાજકોટ જિલ્લાનાં ગોંડલમાં દોઢ, રાજકોટ શહેરમાં 1.5, લોધીકામાં દોઢ તથા કોટડાસાંગાણીમાં સવા, મોરબીનાં વાંકાનેરમાં સવા, મોરબીનાં હળવદમાં સવા, રાજકોટનાં ધોરાજીમાં 1, પડધરીમાં 1, જેતપુરમાં પોણો, જામનગરનાં જોડીયા અને જામજોધપુરમાં પણ પોણો ઇંચ, કોડીનાર અને કલ્યાણપુરમાં પણ પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો.
વધુમાં સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલ મુજબ શનિવાર રાત્રિના આઠ કલાકથી ગઇકાલ સાંજ સુધીમાં મોટી પાનેલી માં કુલ પાંચ ઈચ વરસાદ થયેલ છે આ વરસાદથી ખેડૂત વર્ગ આનંદમાં આવેલ છે તેમજ કોઈપણ જાતની નુકસાનીના અહેવાલ મળેલ નથી આ ભારે વરસાદને કારણે મોટી પાનેલી ના ફુલઝર તળાવમાં પાણી આવતા આ તળાવ એક ફૂટ ઓવર ફ્લો થયેલ છે જેનો નજારો જોવા માટે રવિવારની રજાને કારણે પાનેલી પ્રજા આ નજારો જોવા ઊમટી પડેલ હતી અને આનંદ માણેલ હતો.
આ તકે ગ્રામ પંચાયતના ઉપસરપંચ જતીનભાઈ ભાલોડીયા એ પણ તળાવના સ્થળનું નિરીક્ષણ કરેલું અને પ્રજાજનોને નદીના પટમાં અવરજવર ન કરવાની તેમજ જાનમાલની રક્ષણ કરવાની સૂચના આપવામાં આવેલી હતી અત્યારે પણ વરસાદી માહોલ જોવા મળે છે તેમજ પાનેલીના આજુબાજુના ગામોમાં જેવા કે માંડાસણ. સાતવડી. બુટાવદર વગેરે ગામોમાં પણ પુષ્કળ પ્રમાણમાં વરસાદ થવા પામેલ છે.
જયારે બરડા પંથકમાં ગત રાત્રે મેઘરાજાની પધરામણી થતા બાર કલાક માં લગભગ ચારથી પાંચ ઇંચ થી વધુ વરસાદ પડ્યો જેના પરિણામે બરડા પંથકમાં ગત રાત્રે મેઘરાજાની પધરામણી થતા બાર કલાક માં લગભગ ચારથી પાંચ ઇંચ થી વધુ વરસાદ થતા રસ્તા ઓ બંધ થતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો
બરડા વિસ્તારમાં ફરી ગત રાત્રિના આઠ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધીમાં ક્યારેક હળવા ઝાપટા તો ક્યારેક ધોધમાર વરસાદ પડ્યો હતો ગઈકાલે સવારથી સાંજ સુધીમાં બે થી ત્રણ ઈંચ જેટલો વરસાદ થયો હતો ત્યારબાદ ફરીથી રાત્રે 8 વાગ્યા થી વરસાદ ધીમીધારે તેમજ ક્યારેક ધોધમાર વરસાદ આવતા અંદાજિત ચારથી પાંચ ઈંચ વરસાદ વરસી ગયો છે.
જેથી પોરબંદર જામ ખંભાળિયા જામનગર રોડ ઉપર મજીવાણા અને સોઢાણા ગામ વચ્ચે વરસાદી પાણી ફરી વળતા આ રોડ આજે સવારથી વાહન વ્યવહાર માટે બંધ થયો હતો જેથી જામખંભાળિયા જામનગર તેમજ રાવલ ગામ તરફ જતા અને આવતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા અને બંને બાજુએ વાહનો ની લાઈન લાગી હતી.
જ્યારે બરડા ડુંગરમાંથી આવતું પાણી ખ્રિસ્તી ગામ થી ગોઢાણા તરફ જતા રોડ પર ફરી વળતા આ રોડ ઉપર ચાર થી પાંચ ફૂટ પાણી વહેતા થયા હતા જેથી ખેડૂતોને આવવા જવા માટે આ રોડ બંધ થઈ ગયો હતો અને એક માલ વાહક રીક્ષા પાણીમાં ફસાઈ જતા આજુબાજુના ખેડૂતોએ ટ્રેક્ટરની મદદથી આ રીક્ષા ને બહાર કાઢી હતી ઉપરાંત બગવદર મોઢવાળા રોડ પર ત્રણ જગ્યાએ પાણી વહેતા થતા વાહન ચાલકો જીવના જોખમે પસાર થતાં હતા.
આ પરિસ્થિતિમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા બીજા ખેડૂતોના ખેતરોમાં જતા હોવાથી કેટલાક ખેડૂતોએ બુદ્ધિનો ઉપયોગ કરી અને ખેતરોના છલોછલ પાણીમાં પાઇપલાઇન ફીટ કરી અને કૂવામાં આ પાણી વાળી દેતા કુવાઓ વધુ રિચાર્જ થશે જેથી તેમને પાકમાં ફાયદો થશે…પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદ પડતાની સાથે જ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ફોદાળા ડેમમાં પાણીની આવક થઇ છે જેને લઇ ને ડેમ ઓવરફ્લો થયો હતો.
ડેમ ઓવરફ્લો થતાની સાથે જ નીચાણવાળા 13 થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.હ- પોરબંદર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે.ગઈકાલે પણ પોરબંદર જિલ્લાના રાણાવાવ પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો.
રાણાવાવ પંથકમાં ધોધમાર વરસાદને લઈને બીલેશ્વર ગામ નજીક આવેલ અને પોરબંદર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ફોદાળા ડેમમાં પાણીની આવક થતા આ ડેમ ઓવરફ્લો થયો હતો જેને લઈને બિલેશ્વર, હનુમાનગઢ, લાતાધાર, આશીયાપાટ નેશ , ગન્ડીયાવાળા નેશ, રામગઢ, ખંભાળા, ખીરસરા, અને રાણા કંડોરણા, સહીત ના નીચાણવાળા 13 ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે તો ખંભાળા ડેમમાં પણ પાણીની આવક નોંધાતા આ ડેમ પણ 97 ટકા ભરાઈ ગયો છે.