New Delhi,તા.25
સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચૂકાદામાં જણાવ્યુ હતું કે જો કોઈ અપરાધમાં આરોપીને છોડી મુકવામાં આવે તો ભોગ બનેલ વ્યક્તિના પરિવારજન પણ તેની સામે અપીલ કરી શકશે. ભારતમાં ફોજદારી સહિતની ટ્રાયલ જે રીતે લાંબો સમય લે છે અને અપીલ સહિતના કારણે અનેક વખત ભોગ બનેલ વ્યક્તિ મૃત્યુ પામે છે તેમ છતાં પણ ચૂકાદો આવતો નથી.
તે જ સ્થિતિમાં આરોપી નિર્દોષ છુટી જાય તો તેની સામે અપીલ થઈ શકતી ન હતી. પરંતુ સર્વોચ્ચ અદાલતે ફોજદારી કાનૂનમાં એક મહત્વના અર્થઘટનમાં જણાવ્યું હતું કે જેમ અપરાધનો ભોગ બનનાર વ્યક્તિને આરોપી નિર્દોષ છુટે તો તેની સામે અપીલ કરવાનો અધિકાર છે તેવો જ અધિકાર તેના કાનૂની વારસદારને પણ મળે છે.
અત્યાર સુધી આ પ્રકારના કેસમાં ફકત ફરિયાદી અથવા તો રાજય સરકારને જ અપીલનો અધિકાર હતો. તે વચ્ચે સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ બી.વી.નાગરત્નાની ખંડપીઠે એક ચૂકાદામાં આ અધિકાર બે પ્રકારના લોકોને આપ્યો છે.
જેમાં એક અપરાધના કારણે ઈજા પામનાર કે કોઈ નુકશાન સહન કરનાર વ્યક્તિ અને તેના કાનૂની વારસદારને આ પ્રકારનો અધિકાર મળે છે. સર્વોચ્ચ અદાલતે પોતાના 58 પાનાના ચૂકાદામાં જણાવ્યું હતું કે, જેમ અપરાધીને સજા સામે અપીલનો અધિકાર છે તેવો જ અધિકાર ભોગ બનનાર વ્યક્તિના વારસદારોને મળે છે.
સુપ્રિમકોર્ટે આ માટે ભારતીય ફોજદારી ધારાની કલમ 374નું અર્થઘટન કર્યુ હતું અને કહ્યું હતું કે કાનૂની વારસદારો આરોપીની અપરાધ મુક્તિ સામે અપીલમાં જઈ શકશે.