China,તા.૨૫
’કાજીકી’ વાવાઝોડાએ દક્ષિણ ચીનના હૈનાન ટાપુ અને નજીકના ગુઆંગડોંગ પ્રાંતના કેટલાક ભાગોમાં ભારે પવન અને મુશળધાર વરસાદ સાથે વિનાશ વેર્યો હતો. આ વાવાઝોડું હવે ખુલ્લા સમુદ્રમાંથી પસાર થઈને વિયેતનામના મધ્ય કિનારા તરફ આગળ વધી રહ્યું છે. ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર, વાવાઝોડાના ભયને ધ્યાનમાં રાખીને સંભવિત જોખમી વિસ્તારોમાંથી લગભગ ૨૦,૦૦૦ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે.
તોફાન પહેલા માછીમારી બોટને બંદર પર પાછા બોલાવવામાં આવી હતી અને ૨૧,૦૦૦ થી વધુ ક્રૂ સભ્યો પણ દરિયાકાંઠે પાછા ફર્યા હતા. ગુઆંગડોંગ રેડિયો અને ટેલિવિઝન દ્વારા પોસ્ટ કરાયેલા એક ટૂંકા વિડિયોમાં જોરદાર પવનને કારણે ઝાડની ડાળીઓ તૂટતી અને એક બોટ જોરથી ધ્રુજતી દેખાઈ હતી. મોજાઓ ઘાટ પર ચઢતા જોવા મળ્યા હતા, જે પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આપે છે. ચીનના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રે જણાવ્યું હતું કે વાવાઝોડું કાજીકી સમુદ્ર ઉપર પશ્ચિમ તરફ આગળ વધતાં વધુ મજબૂત બન્યું છે. તેનો મહત્તમ સતત પવન ૧૬૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી ગયો છે.
હેનાન ટાપુના દક્ષિણ ભાગો, ખાસ કરીને પ્રખ્યાત દરિયા કિનારાના રિસોર્ટ સાન્યામાં ૨૫ થી ૩૫ સેમી વરસાદ પડવાની ધારણા છે. સાન્યા શહેર વહીવટીતંત્રે વ્યવસાયિક સંસ્થાઓ, પર્યટન સ્થળો અને જાહેર પરિવહન સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં નાગરિકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા વિનંતી કરવામાં આવી છે. ’કાજીકી’, જેનો જાપાની ભાષામાં ભાલા માછલી અથવા સ્વોર્ડફિશ થાય છે, તે સોમવાર બપોર સુધીમાં વિયેતનામના દરિયાકાંઠે અથડાવાની ધારણા છે.
હ્યુ શહેરના ખેડૂતો તોફાન આવે તે પહેલાં તેમના ચોખાના પાકને કાપવા માટે દોડી રહ્યા છે. દરિયાકાંઠાના પ્રાંતોએ સોમવારથી બોટોને દરિયામાં જવા પર પ્રતિબંધ મૂક્યો છે અને જે બોટો દરિયામાં છે તેમને તાત્કાલિક પાછા ફરવાની સૂચના આપવામાં આવી છે. વહીવટીતંત્રે રાજ્ય અને નગરપાલિકાઓને પાળા, જળાશયો અને સિંચાઈ પ્રણાલીઓને મજબૂત બનાવવા માટે પણ સૂચના આપી છે.