રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૮.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૩૦૬ સામે ૮૧૫૦૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૩૬૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૩૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨૯ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૬૩૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૯૮ સામે ૨૪૯૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૯૧૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૯૮૯ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતને આત્મનિર્ભર બનાવવાના મિશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગોને રાહત આપવા જીએસટી દરોના સરળીકરણ સાથે ઘટાડાના આપેલા સંકેત અને બીજી તરફ અમેરિકા પરની નિર્ભરતા ઘટાડીને રશીયા સહિતના દેશોના સંગઠન સાથે દ્વીપક્ષી વેપાર વધારવાને મહત્વ આપતાં અને ચાઈના સાથે સંબંધો સુધારવાના પોઝિટીવ પરિબળે આજે ફોરેન ફંડો અને લોકલ ફંડો બન્નેની ખરીદીએ આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં તેજીનો દોર આગળ વધ્યો હતો.
વૈશ્વિક મોરચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત પર ૫૦% ટેરિફ લાદીને ભારતને રશીયાથી દૂર કરવાના પ્રયાસ છતાં યુક્રેન મામલે હજુ ગૂંચવાયેલું રહેતાં અને જેકશન હોલ કોન્ફરન્સ પૂર્વે યુ.એસ. ફેડરલ આ વખતે ફુગાવાના જોખમને મહત્વ આપીને રેટ કટ કરવાથી દૂર રહેશે એવા ઘણા નિષ્ણાંતોના મતે વૈશ્વિક બજારોમાં સાવચેતી સામે સ્થાનિક શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં ફેડરલ રિઝર્વના અધ્યક્ષે સપ્ટેમ્બરમાં વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવશે એવા સંકેતો તેના પગલે બોન્ડ યીલ્ડ તથા વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં ઝડપી ઘટાડો નોંધાતા ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધારો નોંધાયો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવ વધ્યા પછી ફરી ઘટાડા તરફી રહ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૦% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કેપિટલ ગુડ્સ, ટેલિકોમ્યુનિકેશન, ઇન્ડસ્ટ્રીયલ, એફએમસીજી, ફાઈનાન્સિયલ સર્વિસીસ, બેન્કેકસ અને પાવર સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૯૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૩૭ અને વધનારની સંખ્યા ૧૯૪૮ રહી હતી, ૧૨૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ઈન્ફોસિસ લિ. ૩.૦૩%, ટાટા કન્સલ્ટન્સી ૨.૮૫%, એચસીએલ ટેકનોલોજી ૨.૬૦%, ટેક મહિન્દ્ર ૧.૩૨%, ટાટા મોટર્સ ૦.૯૫%, સન ફાર્મા ૦.૮૪%, મારુતિ સુઝુકી ૦.૭૯%, ટાઈટન કંપની લિ. ૦.૬૯%, ટાટા સ્ટીલ ૦.૬૬% અને બજાજ ફાઈનાન્સ ૦.૬૫% વધ્યા હતા, જ્યારે બીઈએલ ૦.૭૬%, એશિયન પેઈન્ટ્સ ૦.૩૯%, ભારતી એરટેલ ૦.૩૮%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૨૧%, કોટક બેન્ક ૦.૧૬%, બજાજ ફિનસર્વ ૦.૧૦%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૦૯%, હિન્દુસ્તાન યુનીલીવર ૦.૦૭%, અદાણી પોર્ટસ ૦.૦૧% અને એચડીએફસી બેન્ક ૦.૦૧% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મિડકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૩૪ લાખ કરોડ વધીને ૪૫૪.૯૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૧ કંપનીઓ વધી અને ૯ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ અને ભારત પ્રત્યેના અણગમાને કારણે ભારતીય શેરબજાર પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. વિદેશી રોકાણકારો દલાલ સ્ટ્રીટમાંથી નાણાં ખેંચીને અન્ય ઉભરતા બજારો તરફ વળી રહ્યાં છે. છેલ્લા ચાર અઠવાડિયામાં જ ભારત-કેન્દ્રિત ઈક્વિટી ફંડોમાંથી ૧.૮ અબજ ડોલરનો ઉપાડ થયો છે, જે જાન્યુઆરી ૨૦૨૫ પછીનો સૌથી મોટો આઉટફલો છે. બીજી તરફ, ચાઈનીઝ ફંડોમાં ૩ બિલિયન ડોલર અને હોંગકોંગ ફંડોમાં ૪.૫ બિલિયન ડોલરનું નવું રોકાણ નોંધાયું છે. આ પરિવર્તન વૈશ્વિક રોકાણકારોની પ્રાથમિકતાઓમાં મોટો ઉલટફેર દર્શાવે છે, કારણ કે ૨૦૨૩-૨૪ દરમિયાન ભારત તરફ ઈન્ફ્લો જોરશોરથી ચાલતો હતો.
આઉટફ્લોનું વલણ ખાસ કરીને ઓક્ટોબર ૨૦૨૪માં ટ્રમ્પની રાષ્ટ્રપતિ પદ પર જીત પછી તેજ બન્યું છે. ટ્રમ્પની વાપસી બાદ ભારતમાંથી અંદાજીત કુલ ૩.૭ અબજ ડોલરનો આઉટફલો નોંધાયો છે, જ્યારે ચીનમાં ૫.૪ અબજ ડોલરનો ઈન્ફ્લો થયો છે. આ વલણ માર્ચથી સપ્ટેમ્બર ૨૦૨૪ વચ્ચેના સમયગાળાથી તદ્દન વિપરીત છે, જ્યારે ભારતમાં ૨૯ અબજ ડોલરનો ઈન્ફ્લો થયો હતો અને ચીનમાંથી ૨૬ અબજ ડોલરનો આઉટફલો નોંધાયો હતો. જોકે, સ્થાનિક ફંડો દ્વારા થયેલી મજબૂત ખરીદીના કારણે આ વેચાણનો પ્રભાવ થોડીક અંશે ઓછો રહ્યો છે. ભારત હવે એમએસસીઆઈ ઈમર્જીંગ માર્કેટ ઈન્ડેક્સની તુલનામાં ૨.૯% અન્ડરવેઈટ બની ગયું છે. ત્યારે હવે આગામી દિવસોમાં વિદેશી રોકાણકારોનો વલણ કેવો રહેશે તેના પર ભારતીય શેરબજારની નજર ટકી છે.
તા.૨૬.૦૮.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૫.૦૮.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૯૮૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૧૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૯૦૯ પોઈન્ટ થી ૨૪૮૩૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- ટેક મહિન્દ્રા ( ૧૫૨૬ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૯૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૮૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૪૪ થી રૂ.૧૫૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૬૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૪૧૩ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૯૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૭૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૨૬ થી રૂ.૧૪૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- અદાણી પોર્ટ્સ ( ૧૩૪૪ ) :- રૂ.૧૩૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૨૯૪ બીજા સપોર્ટથી પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૫૭ થી રૂ.૧૩૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- ઝાયડસ લાઈફસાયન્સીસ ( ૧૦૨૬ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૪૪ થી રૂ.૧૦૫૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૯૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ટાટા કેમિકલ ( ૯૫૧ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા કોમોડીટી કેમિકલ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૧૯ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૬૪ થી ૯૭૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ઈન્ફોસીસ લિ. ( ૧૫૩૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૫૩ આસપાસ સપોર્ટથી રૂ.૧૫૧૭ થી રૂ.૧૫૦૩ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૬૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૫૦૩ ) :- રૂ.૧૫૩૭ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૪૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૮૮ થી રૂ.૧૪૮૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૩૦ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૬૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૪૦૮ થી રૂ.૧૩૯૩ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ઓરબિંદો ફાર્મા ( ૧૦૬૮ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૯૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૫૪ થી રૂ.૧૦૪૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૦૩ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- જીન્દાલ સ્ટીલ ( ૯૯૫ ) :- રૂ.૧૦૧૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૨૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૮૦ થી રૂ.૯૬૪ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies