કરારથી સાથે રહેતા દરમીયાન શરીર સબંધ બાંધેલ હોય તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટોના ચુકાદાઓ મુજબ તે બળત્કારની વ્યાખ્યામાં પડતું નથી: એડવોકેટ સુરેશ ફળદુ
Rajkot,તા.26
ત્રણ વર્ષના લીવ ઇન રિલેશનશિપ કરાર દરમિયાન શારીરિક સંબંધો બાંધી બળાત્કાર, ગર્ભપાત, મારકૂટના ગુનામાં જેલ હવાલે થયેલા તૃષાંગ પરસોતમભાઈ ડોબરીયાની જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.આ અંગે ફરીયાદીએ પોરબંદર મુકામે “ઝીરો’ નંબરથી દાખલ કરાવેલી એફ.આઈ.આર. ગાંધીગ્રામ-૨, યુની. પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થઈ આવી હતી. જેમાં મહિલાએ રાજકોટના તૃષાંગ પરસોત્તમભાઈ ડોબરીયા સામે લીવ રિલેશનશિપ દરમિયાન બળાત્કાર, પાંચ વખત ગર્ભપાત, મારકુટ, વિશ્વાસઘાત કર્યાની વિગતે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી, જે ફરિયાદમાં મહિલાએ જણાવ્યા મુજબ મહિલાને પોતાના આગલા પતિથી થયેલા એક પુત્રીને અપનાવવાનું કહીને તૃષાંગ ડોબરીયાએ ફરીયાદી સાથે લીવ ઈન રિલેશનશિપનો કરાર કરી રાજકોટ તથા મોરબીમાં અવાર-નવાર શરીર સંબંધ બાંધી ત્રણથી ચાર વખત ગર્ભવતી બનાવી ફરીયાદીની મરજી વિરૂધ્ધ ગર્ભપાતની ગોળીઓ ખવડાવી બાળક પડાવી ગર્ભપાત કરાવી ઘણી વખત મુંઢમાર મારી અને ત્રણ વર્ષ સુધી ફરીયાદી સાથે રહી અને ફરીયાદી સાથે લગ્ન ન કરી ફરીયાદીને તરછોડી દઈ ગુન્હો આચર્યાનું જણાવ્યું હતું, તેથી ગાંધીગ્રામ પોલીસે આરોપી તૃષાંગની ધરપકડ બાદ ધોરણસરની કાર્યવાહી અને તપાસ બાદ કોર્ટની સુચનાથી જેલહવાલે કર્યો હતો. દરમિયાન તૃષાંગ ડોબરીયાએ તેના એડવોકેટ સુરેશ ફળદુ મારફત જામીન પર મુકત થવા રાજકોટની સેશન્સ અદાલતમાં જામીન અરજી દાખલ કરી રજુઆત કરી હતી કે, આરોપી અને ફરીયાદી ત્રણ વર્ષ લીવ ઈન રિલેશનશિપ કરારથી સાથે રહેલ છે તે સમય દરમીયાન શરીર સબંધ બાંધેલ હોય તો સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટોના ચુકાદાઓ મુજબ તે બળત્કારની વ્યાખ્યામાં પડતું નથી, ઉપરાંત ગર્ભપાતના કરેલ આક્ષેપો અન્વયે જે હોસ્પિટલમાં ગર્ભપાતની વાત કરે છે તે જગ્યાએ તપાસ કરતા ગર્ભપાતની નહી પરંતુ ગર્ભ રાખવા માટેની સારવાર કરાવવામાં આવતી હોવાનું ખુલવા પામેલ છે, આથી ફરીયાદી મહિલાએ પોલીસને ગેરમાર્ગે દોરેલ હોવાનું જણાય છે, રજુ દસ્તાવેજો પરથી ફરીયાદીએ કાયદાનો રક્ષણ તરીકે નહી પરંતુ હથીયાર તરીકે ઉપયોગ કરેલનું ફલીત થાય છે, હાલની ફરીયાદ માત્ર લીવ ઈન રિલેશનશિપ કરાર બ્રેક કરવાના કારણોસર કાઉન્ટર બ્લાસ્ટ સિવાય કાંઈજ નથી તે મતલબની લંબાણ પુર્વકની રજુઆતો કરી હતી. જે રજુઆતો, રેકર્ડ પરનો પુરાવો, ઈન્વેસ્ટીગેશનના કાગળો તથા અરજદાર સામેનો તપાસના કાગળોમાં રહેલ રોલ વગેરે ધ્યાને લઈ ભોગ બનનાર પુખ્ત વયના છે ત્યારે આરોપી તૃષાંગ ડોબરીયાની જામીન અરજી કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ કામમાં આરોપી વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, જસ્મીન દુધાગરા, જય પીઠવા, યુવરાજ વેકરીયા તથા મદદમા નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, આર્યન કોરાટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ રોકાયા હતા.