ડ્રગ્સ, દેહ વેપાર, ઓવર સ્ટે, પાસપોર્ટ-વિઝા સહીતની બાબતોની ખરાઈ : ચારેક વિદેશીઓને ડિટેઇન કરાયા
Rajkot,તા.26
શહેરની ભાગોળે મોરબી રોડ પર રતનપર, ગૌરીદડ અને હડાળા સહિતના ગામોમાં રહેતા આફ્રિકન વિદ્યાર્થીઓ ડ્રગ્સ અને દેહ વેપારના દુષણમાં તરબતર હોવાની અનેકવાર રાવ ઉઠી ચુકી છે. ત્યારે અંતે આજે એસઓજીની નવ જેટલી ટીમોએ એકીસાથે રતનપર, ગૌરીદડ અને હડાળા ગામે ત્રાટકી હતી અને આફ્રિકન સહિતના વિદેશી વિદ્યાર્થીઓની પ્રવૃતિઓ અંગે ખરાઈ શરૂ કરવામાં આવી હતી.
રાજકોટ-મોરબી રોડ પર ગૌરીદડ, રતનપર અને હડાળા ગામ નજીક વિદેશી વિદ્યાર્થીઓ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોવાની વારંવાર મળતી ગ્રામજનોની ફરિયાદને ધ્યાનમાં રાખી પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બંગરવા અને એસીપી ક્રાઇમ બી બી બસીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીએ સર્ચ કર્યું હતું. પોલીસની અલગ અલગ 9 ટીમો બનાવી રતનપર, હડાળા, ઘંટેશ્વર સહિતના વિસ્તારોમાં પાસપોર્ટ અને વિઝા ચેક કરી એનસીબીને સાથે રાખી સર્ચ કરવામાં આવ્યું છે. જેમાં શંકાસ્પદ વ્યક્તિને પોલીસ સ્ટેશન લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. હાલ સુધીમાં કુલ 150 જેટલા વિદ્યાર્થીની તપાસ કરવામાં આવી હોય અને આ કાર્યવાહી સાંજ સુધી ચાલતી રહેશે તેવું જાણવા મળી રહ્યું છે.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(એસઓજી) દ્વારા આજે સવારથી વિદેશી વિદ્યાર્થીઓ અંગે સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું. રાજકોટમાં ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે આવતા વિદેશી વિદ્યાર્થીઓ મોરબી રોડ પર રતનપર, હડાળા, ગૌરીદળ અને જામનગર રોડ પર ઘંટેશ્વર વિસ્તારમાં રહેતા હોવાની માહિતીના આધારે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. કેટલાક વિદ્યાર્થીઓ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાની ફરિયાદ વારંવાર ગ્રામજનો દ્વારા કરવામાં આવતી હોવાથી આજે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ટીમને સાથે રાખી અલગ અલગ નવ ટીમો દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં વિદેશી નાગરિકના પાસપોર્ટ અને વિઝા વેરિફિકેશન કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ મોરબી રોડ પર આવેલ રતનપર ગૌરીદડ અને હડાળા ગામના રહેવાસીઓ દ્વારા પોલીસ કમિશનરને રૂબરૂ મળી આ વિસ્તારમાં વિદેશી નાગરિકોનો ત્રાસ હોવા અંગે તેમજ તેઓ ગેરકાનૂની પ્રવૃત્તિ સાથે જોડાયેલ હોવા અંગે ફરિયાદ અરજી લેખિતમાં કરવામાં આવી હતી.