New Delhi તા.26
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ શશિ થરૂર ક્રિકેટમાં રૂચિ ધરાવે છે. તેમણે ચેતેશ્વર પુજારાની નિવૃત્તિ પર પોતાની વાત લોકો સમક્ષ મુકી છે. સાથોસાથ બીસીસીઆઇ પર નિશાન સાધ્યું છે. થરૂરનું માનવું છે કે પુજારાની શાનદાર કેરિયર રહી, તે સન્માનજક વિદાયનો હકદાર હતો. તે મુશ્કેલ પરિસ્થિતિમાં ભારતીય ટીમ તરફથી સતત લડતો રહ્યો. ટીમની બહાર થયા પછી તેને મોકો આપવાની જરૂર હતી. ચેતેશ્વર પુજારાની નિવૃત્તિથી મને જરૂર અફસોસ છે, પણ તેની પાસે હવે સાબિત કરવા માટે કાંઇ બચ્યું ન હતું. હાલ હું તેની પત્નીના પુસ્તક ડાયરી ઓફ ક્રિકેટર વાઇફનું પઠન કરી રહ્યો છે. જે બધા ખેલપ્રેમીએ વાંચવા જેવું પુસ્તક છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે રાજકોટના ચેતેશ્વર પુજારાએ તેની શાનદાર કેરિયરને વિરામ આપીને રવિવારે સંન્યાસની ઘોષણા કરી હતી. તે હવે કોમેન્ટ્રીના ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે.
ચેતેશ્વર પુજારાએ તેની કેરિયરમાં 103 ટેસ્ટ મેચની 176 ઇનિંગમાં 19 સદીથી કુલ 7195 રન કર્યા હતાં. ખાસ કરીને તે પ્રથમ કક્ષાના ક્રિકેટમાં ભારતનો સૌથી સફળ બેટધર ગણાતો હતો. વિવેચકોનું કહેવું છે કે પુજારાએ કેટલા રન કર્યા તેનાથી વધુ મહત્વ તેણે કેટલા દડાનો સામનો કર્યા તે છે.