New Delhi,તા.26
પહાડી રાજયોમાં સતત વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત બની ગયું છે. હિમાચલ, જમ્મુ-કાશ્મીર અને ઉતરાખંડમાં અનેક જગ્યાએ વરસાદના કારણે ભૂસ્ખલનથી રસ્તાઓ બંધ થઈ ગયા છે. હિમાચલમાં મણિ મહેશ યાત્રાએ ગયેલા ત્રણ શ્રદ્ધાળુઓના મૃત્યુના ખબર છે. જમ્મુ-કાશ્મીરના 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે પ્રસિધ્ધ મણિ મહેશ યાત્રા પર ગયેલા પંજાબના ત્રણ યાત્રાળુઓની ઓકિસજનની કમીના કારણે મોત થયા છે.
હિમાચલમાં હવામાન વિભાગના એલર્ટ બાદ ચંબા પ્રશાસને હાલ મણિ મહેશ યાત્રા સ્થગીત કરી દીધી છે. મણીમહેશ યાત્રામાં હડસરથી માંડીને ડલ સુધી લગભગ 800 યાત્રાળુઓ ફસાયા છે.
કાંગડા જિલ્લામાં પોંગ ડેમનું જલસ્તર વધી ગયું છે. બિલાસપુર-સ્વાટઘાટ પાસે ચંદીગઢ-મનાલી એનએસ પર છડોલમાં ભૂસ્ખલનની ઝપટમાં બે વાહનો આવ્યા હતા. ભારે વરસાદની હવામાન વિભાગની ચેતવણીના પગલે ચંબા, મંડી, કાંગડા અને ઉના જિલ્લામાં આજે પણ બધી સ્કુલો અને આંગણવાડીઓ બંધ રહેશે.
બીજી બાજુ જમ્મુ-કાશ્મીરમાં કયાંક મુશળધાર તો કયાંક હળવો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાજે આગે અને આવતીકાલે જમ્મુ વિસ્તારના આઠ જિલ્લામાં રેડ એલર્ટ અને કાશ્મીરના ત્રણ જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન વાદળ ફાટવા, પુર અને ભૂસ્ખલનનો ખતરો છે.
બીજી બાજુ ભારે વરસાદથી ઉધમપુર અને રિયાસી જિલ્લામાં કાચા મકાનોને નુકસાન થયું છે. કાશ્મીરમાં અમરનાથ ગુફા અને જોજીલામાં બરફવર્ષા થઈ છે. વરસાદના કારણે હાઈવે ક્ષતિગ્રસ્ત થતા ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા સ્થગીત કરી દેવાઈ છે.
હિમાચલ અને જમ્મુમાં થઈ રહેલા વરસાદના કારણે પઠાનકોટમાં આવેલ રણજીત સાગર ડેમના બધા દરવાજા વર્ષ 2007 બાદ પહેલીવાર ખોલવામાં આવ્યા છે. જેના કારણે નદીમાં પાણી વધતા આસપાસના ગામોમાં પુર આવ્યુ છે.