New Delhi,તા.26
દેશમાં જીએસટી-સુધારા ભાગ-2નો પ્રારંભ થઈ ગયો છે અને આગામી મહિને મળનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે. જેનો સમય નવરાત્રીના તહેવારો દરમ્યાન એટલે કે દશેરા સુધીમાં અમલી બની જશે.
સરકારે જીએસટી સુધારામાં આમ વર્ગને મોટી રાહત આપવાની ખાતરી આપી છે. ખાસ કરીને સરકાર એ પણ જોવા માંગે છે કે અમેરિકી ટેરિફથી જે ‘હાઉ’ ઉભો થયો છે તે પણ બજાર પર અસર કરે નહી અને તેથીજ જીએસટી કાઉન્સીલ હાલ 12થી18% ના સ્લેબમાં રહેલા ખાદ્ય તથા રોજબરોજના અપરાધની ચીજો તથા એક કિંમત સુધીના ટેક્ષટાઈમ- રેડીમેઈડ કપડાને તથા તેની એસેસરીને 5%ના સ્લેબમાં લઈ જશે.
સરકાર હવે દેશમાં મધ્યમવર્ગમાંથી ઉચ્ચ મધ્યમવર્ગમાં જે વર્ગ વધી રહ્યો છે તેને પણ રાહત આપશે. ખાસ કરીને એરક્ધડીશન્ડ, ટીવી, રેફ્રીજરેટર વિ.ને પણ નીચા 18%ના સ્લેબમાં લઈ જવાશે તો સલૂન-પાર્લરમાં બ્રાન્ડેડ કંપનીઓ સિવાય કે ફાઈવસ્ટારથી લઈને લકઝરી બ્રાન્ડ જેવા પાર્લર સલૂનને 18%માં જયારે બાકીના તમામને 5% અથવા સ્વરોજગાર જેવા પાર્લરને 0%માં લઈ જશે.
વિમા ક્ષેત્રે મોટા ફેરફાર આવી રહ્યા છે. જેમાં વ્યક્તિગત આરોગ્ય વિમો એ 18% જીએસટી હેઠળ છે તેને શૂન્ય સુધી લઈ જવાશે. જો કે વિમા કંપનીઓ જીએસટી શૂન્ય થવાથી તેઓને જે ઈનપુટ ટેક્ષ ક્રેડીટનો લાભ મળે છે તે નહી મળે તેથી આ નીચા સ્લેબનો વિકલ્પ કરે છે.
સૌથી મહત્વનું બાંધકામ ખર્ચ વધી ગયા છે તેથી સરકાર હવે સિમેન્ટ પરનો જીએસટી 28%માંથી 18% કરી શકે છે. હાલના અંદાજ મુજબ 12%નો સ્લેબ જે નાબૂદ થવા જઈ રહ્યા છે તે હેઠળ આવતી 99% આઈટમ 5%ના નીચા સ્લેબમાં લઈ જવાશે તો 28%નો સ્લેબ પણ નાબૂદ થનાર છે તેમાં રહેલા સીનગુડસ કે અલ્ટ્રા લકઝરી સિવાયના ઉત્પાદનો-ચીજોને 18% સ્લેબમાં લઈ જવાશે.
જયારે મોંઘી કાર, લકઝરી ચીજો, તંબાકુ, શરાબ વિ. જે ઉત્પાદનો છે તેને 40%ના ફલેટ સ્લેબમાં લઈ જવાશે. આવી જ રીતે સામાન્ય ઉપયોગની સેવાઓમાં પણ જીએસટી ઘટશે. જે 18%માંથી 5%માં આવી શકે છે. હાલ 28% જીએસટી તથા તેના પર 22% સેસ એમ સીન ગુડસ પર 50% જેવો કુલ વેરો આવે છે. તે વાસ્તવમાં 40% કર્યા બાદ સેસ યથાવત રાખવો કે કેમ તે પ્રશ્ન છે.
તા.3-4 સપ્ટેમ્બરના જીએસટી કાઉન્સીલની બેઠક મળી રહી છે. આગામી દિવસો હવે તહેવારોના મૌસમ છે અને બજાર રાહ જોઈ રહી છે. એક વખત સરકાર નિર્ણય લે પછી તેને અમલમાં આવતા એક પખવાડીયુ જશે અને બજારને તહેવારો સમયે ઘટેલા જીએસટીનો લાભ ગ્રાહકોને મળે તે જોવા માંગે છે.
તહેવારનો સમય સાચવી લેજો: વહેલા GST નિર્ણયની ઓટો ઉદ્યોગને આશા
હાલ બુકીંગ પર બ્રેક લાગી ગઈ છે
નવી દિલ્હી: દેશમાં જીએસટી સુધારામાં હાલ 28% થી 40%ના સ્લેબમાં પહેલા ઓટો ક્ષેત્ર સરકાર તરફથી સારા સમાચારની રાહતો જુએ છે પણ આ નિર્ણય ઝડપથી આવે તે ઈચ્છે છે. ઓટો ક્ષેત્ર માટે પહેલા ગણેશ મહોત્સવ અને બાદમાં નવરાત્રીથી જબરી ઘરાકીની આશા છે પણ સાથો સાથ ચિંતા છે કે જીએસટી ઘટી રહ્યો છે તેથી હાલ નવા બુકીંગને બ્રેક લાગી ગઈ છે.
ઓટો કંપનીઓ પાસે સ્ટોક પણ છે. દિવાળી આસપાસ નવા મોડેલ પણ લોન્ચ થશે. આ પુર્વે જીએસટી અંગે ચિત્ર સ્પષ્ટ થાય તે જરૂરી છે. નહીતર તહેવારોના બુકીંગને અસર થઈ શકે છે.
સરકારના આયોજન મુજબ નાની કાર- બાઈક તથા સીડાન સુધીની કાર પર 18%નો સ્લેબ આવશે. જે હાલ 28% છે. જયારે લકઝરી વર્ગમાં આવતી કાર પર 40% સુધીનો ટેક્ષ આવી શકે છે પણ ઓટો ઉદ્યોગ તેમનો ‘સમય’ સરકાર સાચવી લે તે ઈચ્છે છે.